હું પણ સાવધ થઇ, મારી
બંદૂક ચકાસીને આગળ વધ્યો. મારી પાસે એ જ 12-બોર ડબલ બેરલની શોટગન હતી જેનો ઉપયોગ
મેં પનારના દીપડાને મારવામાં કર્યો હતો. નાળું નાના-મોટા પથ્થરોની વચ્ચેથી વહેતું
હતું, જેમાંથી કોઇ પણની પાછળ દીપડો છૂપાયેલો હોવાની શક્યતા
નકારી ન શકાય. આથી સાવધાનીપૂર્વક આગળ
વધવું જરૂરી હતું. કહેવાની જરૂર નથી કે આવા સંજોગોમાં હું બહુ ધીમેથી આગળ વધી
રહ્યો હતો.
લગભગ પોણા માઇલ જેટલું
અંતર કાપ્યા પછી નાળું પૂરું થતું હતું અને ટેકરીનો ઢોળાવ શરૂ થતો હતો. આ જગ્યાએ એક મોટી શિલા હતી. એ પથ્થરનો આકાર
અર્ધા ઇંડા જેવો હતો. બાફેલા ઇંડાને વચ્ચેથી કાપીને સાંકડો છેડો ઉપર આવે એ રીતે
મૂક્યું હોય, એને મળતો આવતો. આ પથ્થરની ઊંચાઇ આશરે પચ્ચીસેક ફીટની હતી. હું
એનાથી અંદાજે 90 યાર્ડ જેટલો દૂર હતો, ત્યાં મારી તરફ વહી
રહેલા પવને મને જાણ કરી દીધી કે આ શિલાની આસપાસમાં ક્યાંક કોઇ મૃતદેહ રહેલો છે.
દીપડાએ મારણ આ શિલા પાછળ સંતાડ્યું હોવાનું મારું અનુમાન થયું.
દીપડો સામાન્ય રીતે એક
વારમાં આખા માણસને ખાઇ નથી શકતો. આથી શક્ય છે કે એના અવશેષ હજી વધ્યા હોય. જો એમ
હોય, તો મારે રાત્રે ત્યાં બેસીને દીપડાની પ્રતીક્ષા કરવાની રહે. આ
એક સારો મોકો હતો. જો કે ત્યાં આસપાસ મચાન બાંધવા માટે યોગ્ય કોઇ વૃક્ષ દેખાતું
નહોતું. કદાચ મારે જમીન પર જ બેસવું પડશે. પૂનમ નજીક હોવાથી રાત્રે ઠીક ઠીક
અજવાળું હશે. એક મુદ્દો એ પણ હતો કે મૃતકના પરિવારજનો સ્વાભાવિક રીતે જ એની
અંતિમક્રિયા કરવા માગતા હોય તો બીજા દિવસ સુધી મૃતદેહ ત્યાં જ પડ્યો રહે એ પસંદ ન
કરે એવી શક્યતા પણ ખરી. એક ક્ષણમાં આ બધા વિચાર મારા મનમાં ઝબકી ગયા.
આ ઉપરાંત પણ એક
સંભાવના હતી. દીપડો આસપાસમાં જ ક્યાંક છુપાયેલો હોય,
અને જો હું એને શોધી શકું તો એને મારવાની તક મળે ખરી. જો કે એ સહેલું કામ નહોતું. પણ પેટ ભરાયા પછી જો એ ઊંઘતો હોય અને
હું મારી હાજરીની એને ખબર ન પડે એનું ધ્યાન રાખું, તો
સફળતાની શક્યતા વધી જાય. અલબત્ત, આ
આસાન કામ નહોતું.
હું બહુ જ ધીમે,
સાવધાનીપૂર્વક, અને વચ્ચે-વચ્ચે રોકાઇને આસપાસનું નિરીક્ષણ કરતાં કરતં આગળ વધવા લાગ્યો.
મારા બૂટ રબરના તળિયાવાળા હતા, જે ચૂપકીદીપૂર્વક આગળ વધવામાં
મદદરૂપ હતા. જો કે પવનની દિશા પ્રતિકુળ હતી. મેં અન્યત્ર જણાવ્યું છે એમ, દીપડા અને વાઘની ઘ્રાણેંદ્રિય, કદાચ એમના ખોરાકના
કારણે- મેં વાઘને એક મૃત પશુને દસ દિવસ વીતી ગયા પછી પણ ખાતાં જોયો છે- બહુ સતેજ
કે સંવેદનશીલ નથી હોતી. પરંતુ એમનો શિકાર બનતા તૃણાહારીઓની ઘ્રાણશક્તિ તીવ્ર
હોવાથી શિકાર વખતે તેઓ પવનની દિશાનું ધ્યાન રાખતા હોય છે. જો
કે અત્યારના સંજોગોમાં દીપડો મારો પીછો કરે, એ કરતાં એની
સાથે અચાનક મુલાકાત થઇ જાય એની સંભાવના વધુ હતી. તેમ છતાં,
વનવિહારીને ગાફેલ રહેવું પોસાય નહીં.
ધીમે ધીમે હું આગળ
વધ્યો. આ દરમ્યાન મને અચાનક મારા માટે અજાણ્યો એવો પક્ષીનો અવાજ સંભળાયો. એક
ચિત્કાર કર્યા બાદ એ ઊડી ગયું લાગ્યું; કારણ કે ત્યાર બાદ ચોમેર શાંતિ છવાઇ
ગઇ. હું આ પ્રદેશનાં તમામ પક્ષીઓને ઓળખતો ન
હોવાથી ચોક્કસ કહેવું મુશ્કેલ હતું કે એ ચેતવણીનો સૂર હતો કે કેમ. પરંતુ ‘શાણપણ બહાદુરીનો બહેતર ભાગ છે’ એ ન્યાયે મેં
દીપડો આસપાસમાં હોઇ શકે એમ માનીને ચાલવાનું રાખ્યું. એક અંત:પ્રેરણાને વશ થઇને મેં
મેં મારા સામાન્ય નિયમથી વિરુદ્ધ, સેફટી કેચ ખોલી નાખ્યો. હું આ લખી રહ્યો
છું તે અંત:પ્રેરણાને જ આભારી છે. પણ આ તો આગળની વાત થઇ.
વગડામાં અસ્વાભાવિક લાગે એવી શાંતિ વ્યાપેલી હતી. ધીમે ધીમે હું શિલાની નજીક
પહોંચ્યો. મૃતદેહની વાસ હવે અસહ્ય થતી જતી હતી. જરા આગળ જતાં એ અભાગી શિકાર મારી
નજરે પડ્યો. એનું પેટ દીપડાએ ખોલી નાખ્યું હતું અને એક આખો પગ તથા બીજા પગનો
સાથળનો ભાગ ખવાઇ ચૂક્યા હતા. પણ મૃતદેહથી એકાદ ફૂટના અંતરે પડેલું એનું મસ્તક સલામત
હતું.
મેં વર્ષો સુધી માનવભક્ષી પશુઓએ કરેલા અનેક શિકાર જોયા છે. જે કિસ્સામાં
મૃતકનો ચહેરો સલામત હોય ત્યાં મોટા ભાગે એ ચહેરા પર મેં ત્રણ પ્રકારના ભાવ જોયા
છે: ભય, આશ્ચર્ય, અને સૌથી વધારે તો મૃત્યુથી જન્મતી
એક લાક્ષણિક શાંતિ અને સ્વીકૃતિ.
વાચકે જો સર આર્થર કોનન ડોઇલની વાર્તા ‘ધી એડ્વેંચર ઑફ ધ
ડેવિલ્સ ફૂટ’ વાંચી હશે તો એમાં મૃતકોના મુખભાવનું વર્ણન એને યાદ જ હશે. આ ચહેરો જોઇને મને
પણ ક્ષણવાર એ યાદ આવી ગયું. એના પર ડર, વેદના અને એનાથી
પણ વધુ કંઇકનો અકથ્ય ભાવ સ્થિર થઇ ગયો હતો. હું કહી શકું છું કે મેં મારા જીવનમાં
દેખેલી કુદરતી અને કુદરત પરેની (સુપરનેચરલ) વસ્તુઓમાં આ મુખભાવ સૌથી બિહામણી વસ્તુમાંથી એક
હતો, જે મને ઘણા સમય સુધી દુ:સ્વપ્નોમાં દેખાયા કરવાનો હતો. અને કદાચ એથી જ, ક્ષણાર્ધ માટે મારું ધ્યાન આસપાસથી હટીને એ મોં પર સ્થિર થયું.
આગળ જેનું વર્ણન આપ્યું છે એ અંડાકાર શિલામાં પથ્થર ઘસાઇને એક છજલી જેવો ઊંડો
ખાંચો બન્યો હતો. આ ખાંચો હું ઊભો હતો ત્યાંથી થોડે દૂર અને મારાથી પાંચેક ફૂટની
ઊચાઇ પર હતો. હું શિલાના તલથી અંદાજે બાર
ફૂટ જેટલો દૂર હતો. શિલા ગોળાકાર હોઇ મને
એ છાજલીનો એક છેડો જ દેખાતો હતો; આખી છાજલી દેખાતી નહોતી.
એક ક્ષણના બેધ્યાનપણામાં હું શિલાની પ્રદક્ષિણા કરતો હોઉં એમ આગળ વધ્યો. ત્યાં
જ મને અનુભવાયું કે હું જાનલેવા જોખમમાં છું. વિચારવાનો સમય નહોતો. મેં તરત જ મારી
બંદૂક ઊંચી કરીને મારે છઠ્ઠી ઇંદ્રિયે સૂચવેલી દિશામાં માંડી. સાથે જ મારી આંખોએ
નોંધા લીધી કે છાજલીમાંથી દીપડો મારા પર છલાંગ મારવાનો હતો.
તરત જ મેં ટ્રિગર દબાવી દીધી. આટલા અંતરથી, છરાવાળી બંદૂકનું
નિશાન ચૂકવાનો સવાલ જ નહોતો. દીપડો હવામાં હતો ત્યાં જ ગોળીઓ એને વીંધી ગઇ. છતાં એણે છલાંગ તો પૂરી કરી જ- એ ત્યાં જ પડ્યો
જ્યાં ગોળી મરતી વખતે હું ઊભો હતો. સદ્ભાગ્યે શિકારીની અંત:પ્રેરણા અનુસાર, ટ્રિગર દબાવીને હું તરત જ ત્યાંથી
જરા દૂર ખસી ગયો હતો. નહીંતર એ મારી ઉપર જ પડ્યો હોત, અને એ કંઇ ઇચ્છનીય ન કહેવાય!
આટલું લખતાં તો ઠીક સમય લાગે છે, પણ મેં બંદૂક માંડી ત્યારથી, દીપડો હવામાં જ ગોળીઓ ખાઇને નીચે પડ્યો
એ ઘટનામાં ત્રણ યા ચાર સેકન્ડથી વધુ સમય થયો નહોતો.
થોડી ક્ષણો તરફડ્યા બાદ આદમખોર મૃત્યુને વશ થયો.
મારા શરીરમાં વ્યાપેલી ઉત્તેજનાને શાંત થતાં કેટલીક મિનિટો વીતી. ત્યાર પછી મેં સિગરેટ ચેતાવી. સિગરેટ પત્યા પછી હું ગામમાં ગયો. થોડી વાર પછી
મેં ચીંધેલા રસ્તે આભારવશ ગામલોકો બન્ને મૃતદેહ લેવા માટે ગયા.
દીપડાની ચામડી છરાથી એકથી વધુ જગ્યાએ વિંધાઇ હોઇ ખાસ સાચવવાલાયક નહોતી. છતાં, મારા નિયમ અનુસાર, આ દીપડો આદમખોર કેમ બન્યો એનું કારણ જાણવા માટે મેં
પ્રયત્ન કર્યો અને જ્યારે બાહ્ય ઇજાના કોઇ ચિહ્ન ના દેખાયા ત્યારે
મેં એની ખાલ ઉતારી. આ પ્રાણીને મેં આગળ વિચિત્ર કહ્યું એનું કારણ એ હતું કે એને કોઇ જ જાતની ઇજા કે બિમારી નહોતી, છતાં એ માનવભક્ષી બની ગયો હતો. કેટલાક લોકો એવું માનતા હોય છે કે શિકારી
પ્રાણી ક્યારેક નરભક્ષી પ્રણયી કે પ્રણયિનીના સંગાથે માનવશિકારની આદત પાડી દે છે.
અથવા તો માનવભક્ષી માદાનાં બચ્ચાં પણ મોટાં થઇને માનવનો શિકાર કરવા લાગે છે.
પરંતુ હું આ માન્યતાઓ સાથે સહમત નથી. અને
અહીં પણ એ વાત લાગુ પડતી નહોતી, કારણ કે આ કે આજુબાજુના વિસ્તારમાં
દાયકાઓથી કોઇ અન્ય નરભક્ષી પ્રાણી થયું નહોતું.
મને એક આશ્ચર્યની વાત એ પણ લાગી હતી કે હું જ્યારે અંડાકાર શિલાની પાસે હતો
ત્યારે મારી હાજરીની ખબર પડતાં દીપડો આરામથી બચીને જતો રહી શક્યો હોત. એવું કરવાને
બદલે એણે મારા પર હુમલો કરવાનું કેમ પસંદ કર્યું એ સમજવું અકળ હતું.
સિહોરના માનવભક્ષીની કારકિર્દીનો આ રીતે અંત આવ્યો અને અઠવાડિયા પછી, ભાવનગર રાજ્યના મહેમાન તરીકે હું કાઠિયાવાડના ગીરના જંગલમાં એશિયાઇ સિંહને
નિહાળીને, હું કાલાધુંગી પહોંચી ગયો.
(સમાપ્ત)
બધાં પ્રકરણ સાથે વાંચી ગયો. મઝા આવી.
જવાબ આપોકાઢી નાખો