શુક્રવાર, 11 જુલાઈ, 2025

સોમવાર, 7 જુલાઈ, 2025

જાપાની કવિતા: એક વિહંગાવલોકન

 જાપાની સંસ્કૃતિમાં કવિતા માત્ર શિક્ષિત કે અભિજાત વર્ગના મનોવિનોદનો વિષય નથી, બલકે જનસામાન્ય વચ્ચે પણ એ જીવંત છે. જાપાની ભાષાના અનેક પ્રચલિત પ્રયોગો તેના પ્રાચીન કાવ્યોમાંથી યથાતથ ઊતરી આવ્યા છે. જાપાનની ‘પાર્ટી’ઓ આજે પણ પ્રાચીન કે સ્વરચિત કાવ્યોનાં પઠન વગર અધૂરી ગણાય છે. સમાજના તમામ સ્તરના, તમામ વ્યવસાયના લોકો ત્યાં નિ:સંકોચ કાવ્યસર્જન કરે છે. ઉમાશંકર જોષીના ‘ઇસામુ શિદા અને અન્ય’ પુસ્તકમાં એમણે આ વિશેનો પોતાનો નાનકડો અનુભવ સુંદર રીતે વર્ણવ્યો છે. પ્રવાસમાં એશિયા છોડીને યુરોપમાં પ્રવેશવાનું થાય, ત્યારે ઇસામુ શિદાની પુત્રી એ વિશે એક હાઇકુ લખીને ભેટ આપે છે. ઉમાશંકર આ વાત નોંધીને કહે છે કે ‘એ ક્યાં કવિ હતી?’ કવિના આ વાક્યમાં ટીકાનો ભાવ નથી.

રોજિંદા જીવનના નગણ્ય વિષયોને જાપાની કવિતામાં હેય કે વર્જ્ય માનવામાં આવ્યા નથી.  ઉલટાનું આપણે સામાન્ય રીતે જેને તુચ્છ ગણીને નજરઅંદાજ કરતાં હોઇએ છીએ એવી બાબતોમાં; જેના સાક્ષી બન્યા બાદ સદ્ય વિસરાઈ પણ જતી હોય એવી સામાન્ય નાનકડી ઘટનાઓમાં રહેલા સૌંદર્યને જાપાનનાં કાવ્યો ઇંગિત કરી આપે છે. ‘તરણા ઓથે ડુંગર રે’, એમ એ એક સૌંદર્યકણની પાછળ અન્ય ઘણું તિરોહિત હોય છે; જેને પામવાની ક્ષમતાનો આધાર ભાવકની સજ્જતા અને સંવેદનશીલતા પર છે.

Impatiently
She combs
Her tangled hair.

(Boncho)

ગૂંચવાયેલા કેશને પોતાના
ઓળે એ અધીરાઈથી.

(બોંચો)

‘એ’. એના કેશ કેવા છે? કેમ ગૂંચવાયા છે? એની અધીરાઈનું કારણ શું છે? વિચારો …

All in tatters,
Last years’s sleeping mats
Dirty and Frayed.

(Boncho)

મેલીઘેલી
સાવ તૂટેલી
ગયા વર્ષની ચટાઈ.

(બોંચો)

A heavy cart rumbles,
And from the grass
Flutters a butterfly.

(Shoha)

ઠસોઠસ ગાડું નીકળ્યે
ઘાસમાંથી ઊડે
એક પતંગિયું.

(શોહા)

અહીં એક સહજ સ્વાભાવિક નગણ્ય દૃશ્યને શબ્દો વડે ચિત્રાંકિત કરવામાં આવ્યું છે એ તો ખરું; પણ ભારથી લદાયેલા ગાડા અને હવા જેટલા હળવા પતંગિયાની વચ્ચેના વિરોધભાસનો આસ્વાદ પણ લેવા જેવો છે. એ સિવાય આ કાવ્યને જો પ્રતીકાત્મક માનીએ તો વળી અર્થઘટનનો એક અન્ય જ આયામ પ્રગટે છે. ‘જ્ઞાનગુમાનની ગાંસડી’ના ભારે લદાઈને ફરતા વિદ્વત્જન અને કશા જ ભાર વગર, નિરુદ્દેશે મુગ્ધ ભ્રમણ કરતી કોઈ અલગારી વ્યક્તિની વાત પણ અહીં અન્યોક્તિ તરીકે રજૂ કરાઈ હોય તે પ્રકારે પણ ઇચ્છો તો આ હાઇકુને માણી શકો … સુજ્ઞેષુ કિં બહુના!

The radish-picker
With his radish
Points the way.

(Issa)

મૂળા ખેંચનારો

 મૂળા વતી જ

ચીંધી દે રસ્તો.

 

(ઇસ્સા)

 

આ પણ એક હૃદયંગમ, ચિત્રાત્મક છતાં નગણ્ય દૃશ્ય છે. અને છતાં ઇચ્છો તો તેમાં આખી ઝેન વિચારધારા પણ વાંચી શકો. સરળ રૂપ અને સીમિત શબ્દસંખ્યા છતાં, જાપાનના હાઇકુ, તાન્કા કે સેનર્_યુ જેવા લઘુ કાવ્યપ્રકારોમાં અર્થચ્છાયાઓ માટે ઘણો અવકાશ રહેલો છે. અગાઉ કહ્યું તેમ જ, તેને પામવાનો આધાર વાંચનારની સજ્જતા અને  સંવેદનશીલતા પર રહેલો છે.

 

જાપાની કવિતાનો મુખ્ય પ્રેરણાસ્રોત નિસર્ગ છે. જાપાની કાવ્યચેતનાને સહસ્રાબ્દિ જેટલા સમયથી જે વિષયો પ્રિય લાગ્યા કર્યા છે તેના પર અછડતો દૃષ્ટિપાત કરીએ તો આ વાત વધુ સ્પષ્ટ થશે. આભમાં ઊડતા જંગલી હંસ, વસંતના આગમન છતાં અરણ્યમાં ક્યાંક ક્યાંક બચી રહેલો બરફ, જેના આગમનનાં વધામણાં માટે જાપાનમાં ખાસ તહેવાર ઉજવાય છે તે ‘સાકુરા’ એટલે કે ચેરીનાં પુષ્પોની બહાર, સવારે ખીલી સાંજ આવ્યે આવ્યે તો કરમાઈ જતાં ‘મૉર્નિંગ ગ્લોરી’નાં ફૂલ, ઉનાળાની રાત્રિએ ઝબૂકતાં આગિયા, શરદ ઋતુનો પૂર્ણ ચંદ્ર, શિયાળાની હાડ થીજવતી ઠંડી, પાનખર આવ્યે ‘માણિક્યોથી ગ્રથિત સરખાં રમ્ય’ થતાં જાપાની મેપલ વૃક્ષનાં પર્ણો, આકાશ-ધુમ્મસ-વાદળ-પવન, કીટકો …


Autumn wind:
Everything I see
Is haiku.

(Kyoshi)

પાનખરનો પવન:
હું જે દેખું તે
કાવ્ય.

(ક્યોશી)

Far-off mountain peaks
Reflected in its eyes:
The Dragonfly.

(Issa)

ડ્રેગનફ્લાઈની આંખોમાં
પ્રતિબિંબાય
દૂરનાં પર્વતશિખરો.

(ઇસ્સા)

Oh, this hectic world-
Three whole days unseen,
The cherry blossom! 

(Ryota)           

અરે, આ વ્યસ્ત દુનિયા!
ત્રણ દી’ આખા જતા રહ્યા
ચેરીપુષ્પોને નિહાળ્યા વિના.

(ર્_યોટા)

ચેરીનાં પુષ્પો સામાન્ય રીતે એકાદ અઠવાડિયા સુધી રહેતાં હોય છે. એટલામાંથી પણ પૂરા ત્રણ દિવસ આમ જ વીતી ગયા .. ’દો આરઝૂ મેં કટ ગયે, દો ઇન્તિઝાર મેં’.

આ વિષયોને, અને જાપાની કવિતાના સામાન્ય મિજાજને જોઇએ તો નરસિંહરાવ દિવેટિયાની પેલી પંક્તિ યાદ આવે : ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે ..’ જાપાની કાવ્યચેતનામાં એક પ્રકારનું સૌમ્ય, સંયમિત કારુણ્ય પ્રથમથી જ વહેતું આવ્યું છે. સમયના વ્યતીત થવા સાથે – ઋતુઓના ગમન સાથે – જીવનની ક્ષણભંગુરતા સાથે જોડાયેલ આ અનિવાર્ય કારુણ્ય ઉપરાંત જો કે એકાંતના શાન્ત આનંદોનો પડઘો પણ તેમાં વણાઈ ગયેલો દેખાય છે.  પ્રકૃતિ અને કાલક્ષેપ – આ બે પાંખોના આધારે લાગે છે કે જાપાનની કવિતા ઉડ્ડયન કરે છે.

When a thousand birds
Twitter in spring
All things are renewed:
I alone grow old. 

(Anonymous)

હજાર પંખી ટહુકે
વસંત આવ્યે;
સઘળે નવસંચાર:
થતો વૃદ્ધ હું એકલો.

(અનામી)

As the morning glory
Today appears
My span of life.

(Moritake)

‘મોર્નિંગ ગ્લોરી’નાં ફૂલ જેટલું
લાગે આજે
દીર્ઘ આયખું મારું

(મોરિટાકે)

Summer grasses-
All that remains
Of soldiers’ visions.

(Basho)

ઘાસ:
સૈનિકોની આકાંક્ષાનો
એટલો જ અવશેષ.

(બાશો)

જો કે જાપાની કાવ્યવિષયોમાં વિવિધતા અને સંકુલતા ગેરહાજર નથી. જાપાની સૈનિકોનાં યુદ્ધના મોરચા પર લખાયેલાં કાવ્યોમાં એક પ્રકારનું કઠોર ઔદાસિન્ય દેખાય છે. આ સિવાય હિંસ્રતા, દૈહિક કામના, હાસ્ય અને કટાક્ષ જેવાં તત્ત્વો પણ અહીં ગેરહાજર નથી – ખાસ કરીને આધુનિક જાપાની કાવ્યોમાં. 

As he enters the house,
A whiff of murder-
the quack-doctor.

(Anonymous)

ઊંટવૈદ
ઘરમાં આવે કે તરત
ખૂનની બૂ આવે.

(અનામી)

‘She may have only one eye
But it’s a pretty one,’
Says the go-between.

(Anonymous)

‘એની એક આંખ પણ
છે તો સુંદર જ!’
દૂત કહે છે.

(અનામી)

You never touch
This soft skin
Surging with hot blood.
Are not bored,
Expounding the Way?

(Akiko)

ગરમ રક્તથી છલોછલ
આ રેશમી ત્વચાને
તું ક્યારે ય સ્પર્શતો નથી.
ધર્મોપદેશથી
કંટાળો નથી આવતો?
(અકીકો)

No camellia
Nor plum for me,
No flower that is white.
Peach blossom has a colour
That does not ask my sins.

(Akiko)

કેમિલિયા
કે પ્લમનાં પુષ્પો નહીં મારા માટે:
શ્વેત કોઈ ફૂલ નહીં.
પીચનાં ફૂલનો રંગ
મારાં પાપની પંચાત નથી કરતો.

(અકીકો)

પીચનાં ફૂલ સુંદર ગુલાબી રંગનાં હોય છે.

જાપાની કવિ બહુધા માંડીને વાત કરવાને સ્થાને અંગુલિનિર્દેશ માત્ર કરીને દૃશ્યને તથા દૃશ્યમાં નિવસિત ભાવને વાચકની અંદર ઉઘડવાનો, વિસ્તરવાનો અવકાશ કરી આપે છે. વિગતપ્રચૂર વર્ણનોની ભભકના બદલે વ્યંજનાત્મક પ્રસ્તુિત જાપાની કવિને પ્રિય છે. ઘણું બધું અધ્યાહાર રાખીને જ તે જે કહેવાનું છે તે અભિપ્રેતો વડે કહી દે છે. ‘સમજનેવાલે સમજ ગયે હૈં’ – એવું કંઈક. જાપાની કાવ્યવિદ્યાનું આ કદાચ સૌથી વિશિષ્ટ અને આકર્ષક તત્ત્વ છે. જાપાની ભાષાનું સૌથી વધુ પ્રસિદ્ધ હાઇકુ આ રહસ્યમયતાનું ઉત્તમ ઉદાહરણ છે :

An old pond
A frog jumps in-
Sound of water.

(Basho)

જૂના તળાવડે
મેડક કૂદ્યો:
છપાક્!

(બાશો)

– અને એથી સર્જાયેલા તરંગો હજુ પણ શમ્યા નથી.

સોમવાર, 20 મે, 2024

ઉનાળાની બપોર

 

     બપોર બરાબર જામી છે. બહાર જરા પવન છતાં, અત્યારે મુખ્ય ભાવ શાંતિનો છે. હા, જેને ગ્રીષ્મ ઋતુનો મધ્યાહ્ણ પ્રિય લાગે છે એવો પેલો હોલો પ્રભુસ્મરણ કર્યા કરે છે. બાકી નથી કોઇ માણસ દેખાતું, કે નથી કોઇનો અવાજ પણ સંભળાતો. વાહનોનો ઘોંઘાટ પણ નથી. મને આ શાંતિ પસંદ છે. ઠંડકભર્યા ઓરડામાં બેસીને હું બહારનો પ્રખર તડકો નિહાળું છું: ઘાસની જાજમ પર લંબાવતો, આસોપાલવનાં નવાં ચકચકતાં પર્ણોને સ્પર્શતો, મોગરાની સુગંધ લેવા નીચો નમતો.

    પવન આવ્યો ને કૃષ્ણકમળની લતા નાચી ઊઠી. (ઉમાશંકર યાદ આવે જ: વાયરાનાં આ શાં અડપલાં!) સાથે જ, એક મોર અચાનક ગહેકી ઊઠ્યો. આટલુકડી ઘટના પૂરી થતાં ફરીથી એ જ શાંતિ.

    કોઈ મોટી ઘટના તો અલબત્ત આ નથી જ. બલ્કે એને ઘટના કહેવી કે કેમ એ પણ એક પ્રશ્ન છે. પણ હું તો કહીશ, ભલે ને નગણ્ય હોય, અને એ ક્ષણની સાક્ષી બન્યાનો આનંદ પણ લઈશ.

    ઉનાળાની બપોરનો એક અન્ય વિશિષ્ટ અવાજ – કાબરોની ગોષ્ઠી. એમની વાતો સમજી શકાય તો કેવી મઝા આવે! મધ્યયુગના આલ્કેમિ’, બોલે તો અલ કીમિયાના ગ્રંથોમાં એક લીલી ભાષાનો ઉલ્લેખ છે.આ જાદુઈ ભાષા- કે પ્રાકૃતિક લીલી ભાષા એટલે પક્ષીઓની ભાષા. દિવ્ય અને રહસ્યમય આ ભાષા જ વિશુદ્ધ જ્ઞાનને પ્રકટ કરવા શક્તિમાન હતી એમ માનવામાં આવતું.

    પક્ષીઓ કાવ્યો ઉચ્ચારતા હોય છે (ફરી ઉમાશંકર યાદ આવ્યા- સંસ્કૃત ક્રિયાપદોના મૂળ ઉચ્ચારતાં પક્ષીઓ). બસ, એનો અનુવાદ આવડી જાય તો કેવું રૂડું!

    કાબરની વાતચીત જો કે માત્ર જ્ઞાન (તત્વનું ટૂંપણું?) કે કાવ્ય (જો કે અમુક કક્ષાએ જ્ઞાન અને કાવ્ય વચ્ચે ફરક નથી રહેતો એની મને ખાતરી છે) પૂરતી મર્યાદિત નથી લાગતી! કાબર સબ રસ પે નિંદારસ મીઠોમાં માનતી લાગે છે. એની વાતોમાં ઘણું રસપ્રદ હોય એવું લાગે છે. આવું માનવાનું કારણ તો હું જાણતી નથી. પણ એમ જ હોવાની મને પ્રતીતિ છે!

    ઉનાળાની બપોરની આ શાંતિને હવે આ શબ્દો એનામાં સમાવી લેવા દઉં.

શુક્રવાર, 17 મે, 2024

વિષય વગર લખવા વિષે.

 

       લખવું છે, ને હંમેશની માફક કોઇ સજ્જતા વગર કલમ પકડી છે...વિષય નથી કોઇ જ મારી પાસે, પણ મારે લખવું છે. લખવું પડે એમ છે. બહુ બેચેની છે ન લખવાથી.

       એબ્સર્ડ લખું.

       સર્રિયલ લખું.

       પ્રલાપ લખું. આલાપ લખું. મારા વિલાપ લખું.

       અર્થલોપ લખું. લોપનો અર્થ લખું.

       એક એક શબ્દનું આવરણ ખોલી. એને બરાબર પકડી, આમતેમકેમ ફેરવીને ચોતરફથી જોઉં. પછી નાક પાસે લાવીને સૂંઘું. ગમે તો થોડી વાર સોડમ લીધા કરું; નહીંતર એ...ફગાવ્યો

       પછી ટપ દઈને મોંમાં મૂકું. બરાબર ચગળું, મમળાવું.

       ધીમે ધીમે એ ઓગળે, ને મારા લોહીમાં ભળે.

       દેહમાં ફરતો રહે.

       એવું લખું, શબ્દો આહારીને.

       શબ્દસહિત લખું, મન માને તો શબ્દરહિત લખું. શબ્દ સાથે હું મનમાની કરું. આમ ફંગોળું, તેમ ઝિલું.

       એમાં વળી સજ્જ્જતાની શી જરૂર?

       વિષયની શી તથ્યા?

       છંદોલયમાં ડુબાડું. વળી નિતારું. વળગણીએ આછા તડકે સૂકવું, ને પછી જોઉં કે રંગ ચડ્યોબડ્યો ખરો, આ ફિક્કા પડેલા શબ્દને?

       સૂપડું લઇ, પગ લાંબા કરી, સાળુ ગોઠણ સુધી ચડાવીને નિરાંતે બેસું પરસાળમાં. શબ્દ ચણવા ચકલી આવે તો આવવા દઉં. બરાબર ઝટકું, સાફ કરું, તડકો દેખાડું.

       બસ લખું. શબ્દ વીણી વીણીને લખું. વાલોળપાપડીની જેમ વીણું. કંથેર-કટગુંદી-ચણીબોરની જેમ વીણું. દરિયાકાંઠે પથરાયેલા શંખ-છીપ-કોડી-પરવાળાં-સમુદ્રફીણની જેમ વીણું.  હોળીટાણે ખરેલાં કેસૂડાંની જેમ વીણું. આખી રાત ખર્યા કર્યાતા એ મહૂડાં વીણતી આદિવાસી પોયરીની જેમ વીણું. ફસકી ગયેલી થેલીમાંથી રસ્તા વચ્ચે વેરાઈ ગયેલા રાશનની જેમ વીણું. અને પછી લખું.    

       આ આખી દુનિયામાં ક્યાંય એક કોરો કાગળ ન મળે એટલું લખી મારું. દુનિયાની બધી ભાષા, બધી લિપિ, બધા શબ્દમાં લખું. આ જંગલની કલમ ને દરિયાની શાહી બનાવીને લખ્યાં જ કરું..લખ્યાં જ કરું. હાથ આખ્ખેઆખ્ખો બળે ત્યાં સુધી લખું.

       શબ્દ સાથે રતિ માંડું.

       શબ્દ સાથે પ્રીતિ માંડું.

       શબ્દ સાથે રમત ક્રીડા કેલી માંડું. બે હાથ હાથમાં બોંતેર શબ્દના દડા લઈને જગલ કરું.

       બસ, લખું.

       મારી જિદ્દ છે કે હું લખું.    

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2020

ઉપસંહાર

 

સિહોરનો માનવભક્ષી દીપડો’- કેટલીક નોંધ.


વાચક મિત્રો તરફથી આ વારતા વિશે અવારનવાર પૃચ્છા થતી રહી છે, જેના સંદર્ભે એક-બે વાત અહીં કરવાનું ઉચિત માનું છું.


જિમ કોર્બેટ અને કેનેથ એન્ડરસનની શિકારકથાઓ મને વાંચવી ગમે છે. પ એક વાર  શિકારકથા લખવાની ચેલેન્જમાંથી આ વાર્તા જન્મી.આ સત્યઘટના નથી, પણ ફેન ફિક્શન છે જે લખવામાં મેં જિમ કોર્બેટની લેખનશૈલીને ધ્યાને રાખી છે.


જિમ કોર્બેટે નાગપુરમાં માનવભક્ષીનો શિકાર કર્યો હતો, પણ એ મધ્ય ભારતનું નહીં પણ હિમાલયમાં આવેલું નાગપુર.


બીજા વિશ્વયુદ્ધ વખતે તે સમયે મધ્ય પ્રાંતો કે સેંટ્રલ પ્રોવિંસીસ તરીક ઓળખાતા પ્રદેશના ગાઢ વનમાં જિમ કોર્બેટે બર્માના મોરચે જાપાન સામે લડવા જનારા સૈનિકોને જંગલક્રાફ્‌ટની તાલીમ આપી હતી. પણ ત્યાં તેમણે શ્વેતવર્ણી કે સામાન્ય, કોઇ માનવભક્ષી વાઘનો શિકાર કર્યો નથી.


બ્રિટનમાં જિમના પૌત્રભાણેજ જ્યોર્જ માર્શલ રહે છે એ વાત સાચી.


ધ્રુપકાની સીમમાં અત્યારે પણ દીપડા દેખા દઇ જાય છે.


આ વાર્તા પ્રશંસાયોગ્ય ગણનાર તમામ વાચકોનો આભાર.