બપોર બરાબર
જામી છે. બહાર જરા પવન છતાં, અત્યારે મુખ્ય ભાવ શાંતિનો
છે. હા, જેને ગ્રીષ્મ ઋતુનો મધ્યાહ્ણ પ્રિય લાગે છે એવો પેલો
હોલો પ્રભુસ્મરણ કર્યા કરે છે. બાકી નથી કોઇ માણસ દેખાતું, કે નથી કોઇનો અવાજ પણ સંભળાતો. વાહનોનો ઘોંઘાટ પણ
નથી. મને આ શાંતિ પસંદ છે. ઠંડકભર્યા ઓરડામાં બેસીને હું બહારનો પ્રખર તડકો નિહાળું
છું: ઘાસની જાજમ પર લંબાવતો, આસોપાલવનાં
નવાં ચકચકતાં પર્ણોને સ્પર્શતો, મોગરાની સુગંધ લેવા
નીચો નમતો.
પવન આવ્યો ને કૃષ્ણકમળની
લતા નાચી ઊઠી. (ઉમાશંકર યાદ આવે જ: વાયરાનાં આ શાં અડપલાં!) સાથે જ, એક મોર અચાનક ગહેકી ઊઠ્યો. આટલુકડી ઘટના પૂરી થતાં
ફરીથી એ જ શાંતિ.
કોઈ મોટી ઘટના તો અલબત્ત
આ નથી જ. બલ્કે એને ઘટના કહેવી કે કેમ એ પણ એક પ્રશ્ન છે. પણ હું તો કહીશ, ભલે ને નગણ્ય હોય, અને એ ક્ષણની
સાક્ષી બન્યાનો આનંદ પણ લઈશ.
ઉનાળાની બપોરનો એક અન્ય
વિશિષ્ટ અવાજ – કાબરોની ગોષ્ઠી. એમની વાતો સમજી શકાય તો કેવી મઝા આવે! મધ્યયુગના ‘આલ્કેમિ’, બોલે તો
‘અલ કીમિયા’ના ગ્રંથોમાં
એક ‘લીલી ભાષા’નો ઉલ્લેખ
છે.આ જાદુઈ ભાષા- કે પ્રાકૃતિક લીલી ભાષા એટલે પક્ષીઓની ભાષા. દિવ્ય અને રહસ્યમય આ
ભાષા જ વિશુદ્ધ જ્ઞાનને પ્રકટ કરવા શક્તિમાન હતી એમ માનવામાં આવતું.
પક્ષીઓ કાવ્યો ઉચ્ચારતા
હોય છે (ફરી ઉમાશંકર યાદ આવ્યા- સંસ્કૃત ક્રિયાપદોના મૂળ ઉચ્ચારતાં પક્ષીઓ). બસ, એનો અનુવાદ આવડી જાય તો કેવું રૂડું!
કાબરની વાતચીત જો કે
માત્ર જ્ઞાન (તત્વનું ટૂંપણું?) કે કાવ્ય (જો કે અમુક
કક્ષાએ જ્ઞાન અને કાવ્ય વચ્ચે ફરક નથી રહેતો એની મને ખાતરી છે) પૂરતી મર્યાદિત નથી
લાગતી! કાબર ‘સબ રસ પે નિંદારસ મીઠો’માં માનતી લાગે છે. એની વાતોમાં ઘણું
રસપ્રદ હોય એવું લાગે છે. આવું માનવાનું કારણ તો હું જાણતી નથી. પણ એમ જ હોવાની મને પ્રતીતિ છે!
ઉનાળાની બપોરની આ શાંતિને હવે આ શબ્દો એનામાં સમાવી
લેવા દઉં.