લખવું છે, ને
હંમેશની માફક કોઇ સજ્જતા વગર કલમ પકડી છે...વિષય નથી કોઇ જ મારી પાસે, પણ મારે લખવું છે. લખવું પડે એમ છે. બહુ બેચેની
છે ન લખવાથી.
એબ્સર્ડ લખું.
સર્રિયલ લખું.
પ્રલાપ લખું. આલાપ
લખું. મારા વિલાપ લખું.
અર્થલોપ લખું. લોપનો અર્થ લખું.
એક એક શબ્દનું આવરણ ખોલી. એને બરાબર પકડી, આમતેમકેમ ફેરવીને ચોતરફથી જોઉં. પછી નાક પાસે
લાવીને સૂંઘું. ગમે તો થોડી વાર સોડમ લીધા કરું; નહીંતર
એ...ફગાવ્યો
પછી ટપ દઈને મોંમાં મૂકું. બરાબર ચગળું, મમળાવું.
ધીમે ધીમે એ ઓગળે, ને મારા લોહીમાં ભળે.
દેહમાં ફરતો રહે.
એવું લખું, શબ્દો
આહારીને.
શબ્દસહિત લખું, મન માને તો શબ્દરહિત લખું. શબ્દ સાથે હું મનમાની
કરું. આમ ફંગોળું, તેમ ઝિલું.
એમાં વળી સજ્જ્જતાની શી જરૂર?
વિષયની શી તથ્યા?
છંદોલયમાં ડુબાડું. વળી નિતારું. વળગણીએ આછા
તડકે સૂકવું, ને પછી જોઉં કે રંગ ચડ્યોબડ્યો ખરો, આ ફિક્કા પડેલા શબ્દને?
સૂપડું લઇ, પગ
લાંબા કરી,
સાળુ ગોઠણ સુધી ચડાવીને નિરાંતે બેસું પરસાળમાં. શબ્દ ચણવા ચકલી આવે તો આવવા દઉં.
બરાબર ઝટકું, સાફ કરું, તડકો
દેખાડું.
બસ
લખું. શબ્દ વીણી વીણીને લખું. વાલોળપાપડીની જેમ વીણું. કંથેર-કટગુંદી-ચણીબોરની જેમ
વીણું. દરિયાકાંઠે પથરાયેલા શંખ-છીપ-કોડી-પરવાળાં-સમુદ્રફીણની જેમ વીણું. હોળીટાણે ખરેલાં કેસૂડાંની જેમ વીણું. આખી રાત
ખર્યા કર્યા’તા એ મહૂડાં વીણતી આદિવાસી પોયરીની જેમ
વીણું. ફસકી ગયેલી થેલીમાંથી રસ્તા વચ્ચે વેરાઈ ગયેલા રાશનની જેમ વીણું. અને પછી
લખું.
આ આખી દુનિયામાં ક્યાંય એક કોરો કાગળ ન મળે એટલું લખી મારું. દુનિયાની બધી ભાષા, બધી લિપિ, બધા શબ્દમાં લખું. આ જંગલની કલમ ને દરિયાની શાહી બનાવીને લખ્યાં જ કરું..લખ્યાં જ કરું. હાથ આખ્ખેઆખ્ખો બળે ત્યાં સુધી લખું.
શબ્દ સાથે રતિ માંડું.
શબ્દ સાથે પ્રીતિ માંડું.
શબ્દ સાથે રમત ક્રીડા કેલી માંડું. બે હાથ
હાથમાં બોંતેર શબ્દના દડા લઈને ‘જગલ’ કરું.
બસ, લખું.
મારી જિદ્દ છે કે હું લખું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો