બુધવાર, 13 નવેમ્બર, 2019

સિહોરનો માનવભક્ષી દીપડો- 6


હું પણ સાવધ થઇ, મારી બંદૂક ચકાસીને આગળ વધ્યો. મારી પાસે એ જ 12-બોર ડબલ બેરલની શોટગન હતી જેનો ઉપયોગ મેં પનારના દીપડાને મારવામાં કર્યો હતો. નાળું નાના-મોટા પથ્થરોની વચ્ચેથી વહેતું હતું, જેમાંથી કોઇ પણની પાછળ દીપડો છૂપાયેલો હોવાની શક્યતા નકારી ન શકાય.  આથી સાવધાનીપૂર્વક આગળ વધવું જરૂરી હતું. કહેવાની જરૂર નથી કે આવા સંજોગોમાં હું બહુ ધીમેથી આગળ વધી રહ્યો હતો.

લગભગ પોણા માઇલ જેટલું અંતર કાપ્યા પછી નાળું પૂરું થતું હતું અને ટેકરીનો ઢોળાવ શરૂ થતો હતો.  આ જગ્યાએ એક મોટી શિલા હતી. એ પથ્થરનો આકાર અર્ધા ઇંડા જેવો હતો. બાફેલા ઇંડાને વચ્ચેથી કાપીને સાંકડો છેડો ઉપર આવે એ રીતે મૂક્યું હોય, એને મળતો આવતો. આ પથ્થરની ઊંચાઇ આશરે પચ્ચીસેક ફીટની હતી. હું એનાથી અંદાજે 90 યાર્ડ જેટલો દૂર હતો, ત્યાં મારી તરફ વહી રહેલા પવને મને જાણ કરી દીધી કે આ શિલાની આસપાસમાં ક્યાંક કોઇ મૃતદેહ રહેલો છે. દીપડાએ મારણ આ શિલા પાછળ સંતાડ્યું હોવાનું મારું અનુમાન થયું.

દીપડો સામાન્ય રીતે એક વારમાં આખા માણસને ખાઇ નથી શકતો. આથી શક્ય છે કે એના અવશેષ હજી વધ્યા હોય. જો એમ હોય, તો મારે રાત્રે ત્યાં બેસીને દીપડાની પ્રતીક્ષા કરવાની રહે. આ એક સારો મોકો હતો. જો કે ત્યાં આસપાસ મચાન બાંધવા માટે યોગ્ય કોઇ વૃક્ષ દેખાતું નહોતું. કદાચ મારે જમીન પર જ બેસવું પડશે. પૂનમ નજીક હોવાથી રાત્રે ઠીક ઠીક અજવાળું હશે. એક મુદ્દો એ પણ હતો કે મૃતકના પરિવારજનો સ્વાભાવિક રીતે જ એની અંતિમક્રિયા કરવા માગતા હોય તો બીજા દિવસ સુધી મૃતદેહ ત્યાં જ પડ્યો રહે એ પસંદ ન કરે એવી શક્યતા પણ ખરી. એક ક્ષણમાં આ બધા વિચાર મારા મનમાં ઝબકી ગયા.

આ ઉપરાંત પણ એક સંભાવના હતી. દીપડો આસપાસમાં જ ક્યાંક છુપાયેલો હોય, અને જો હું એને શોધી શકું તો એને મારવાની તક મળે ખરી. જો કે એ સહેલું કામ  નહોતું. પણ પેટ ભરાયા પછી જો એ ઊંઘતો હોય અને હું મારી હાજરીની એને ખબર ન પડે એનું ધ્યાન રાખું, તો સફળતાની શક્યતા વધી જાય. અલબત્ત, આ આસાન કામ  નહોતું.

હું બહુ જ ધીમે, સાવધાનીપૂર્વક, અને વચ્ચે-વચ્ચે રોકાઇને  આસપાસનું નિરીક્ષણ કરતાં કરતં આગળ વધવા લાગ્યો. મારા બૂટ રબરના તળિયાવાળા હતા, જે ચૂપકીદીપૂર્વક આગળ વધવામાં મદદરૂપ હતા. જો કે પવનની દિશા પ્રતિકુળ હતી. મેં અન્યત્ર જણાવ્યું છે એમ, દીપડા અને વાઘની ઘ્રાણેંદ્રિય, કદાચ એમના ખોરાકના કારણે- મેં વાઘને એક મૃત પશુને દસ દિવસ વીતી ગયા પછી પણ ખાતાં જોયો છે- બહુ સતેજ કે સંવેદનશીલ નથી હોતી. પરંતુ એમનો શિકાર બનતા તૃણાહારીઓની ઘ્રાણશક્તિ તીવ્ર હોવાથી શિકાર વખતે તેઓ પવનની દિશાનું ધ્યાન રાખતા હોય છે. જો કે અત્યારના સંજોગોમાં દીપડો મારો પીછો કરે, એ કરતાં એની સાથે અચાનક મુલાકાત થઇ જાય એની સંભાવના વધુ હતી. તેમ છતાં, વનવિહારીને ગાફેલ રહેવું પોસાય નહીં.

ધીમે ધીમે હું આગળ વધ્યો. આ દરમ્યાન મને અચાનક મારા માટે અજાણ્યો એવો પક્ષીનો અવાજ સંભળાયો. એક ચિત્કાર કર્યા બાદ એ ઊડી ગયું લાગ્યું; કારણ કે ત્યાર બાદ ચોમેર શાંતિ છવાઇ ગઇ. હું આ પ્રદેશનાં તમામ પક્ષીઓને ઓળખતો ન હોવાથી ચોક્કસ કહેવું મુશ્કેલ હતું કે એ ચેતવણીનો સૂર હતો કે કેમ. પરંતુ શાણપણ બહાદુરીનો બહેતર ભાગ છે એ ન્યાયે મેં દીપડો આસપાસમાં હોઇ શકે એમ માનીને ચાલવાનું રાખ્યું. એક અંત:પ્રેરણાને વશ થઇને મેં મેં મારા સામાન્ય નિયમથી વિરુદ્ધ, સેફટી કેચ ખોલી નાખ્યો. હું આ લખી રહ્યો છું તે અંત:પ્રેરણાને જ આભારી છે. પણ આ તો આગળની વાત થઇ.     

વગડામાં અસ્વાભાવિક લાગે એવી શાંતિ વ્યાપેલી હતી. ધીમે ધીમે હું શિલાની નજીક પહોંચ્યો. મૃતદેહની વાસ હવે અસહ્ય થતી જતી હતી. જરા આગળ જતાં એ અભાગી શિકાર મારી નજરે પડ્યો. એનું પેટ દીપડાએ ખોલી નાખ્યું હતું અને એક આખો પગ તથા બીજા પગનો સાથળનો ભાગ ખવાઇ ચૂક્યા હતા. પણ મૃતદેહથી એકાદ ફૂટના અંતરે પડેલું એનું મસ્તક સલામત હતું.

મેં વર્ષો સુધી માનવભક્ષી પશુઓએ કરેલા અનેક શિકાર જોયા છે. જે કિસ્સામાં મૃતકનો ચહેરો સલામત હોય ત્યાં મોટા ભાગે એ ચહેરા પર મેં ત્રણ પ્રકારના ભાવ જોયા છે: ભય, આશ્ચર્ય, અને સૌથી વધારે તો  મૃત્યુથી જન્મતી એક લાક્ષણિક શાંતિ અને સ્વીકૃતિ.

વાચકે જો સર આર્થર કોનન ડોઇલની વાર્તાધી એડ્વેંચર ઑફ ધ ડેવિલ્સ ફૂટ વાંચી હશે તો એમાં મૃતકોના મુખભાવનું વર્ણન એને યાદ જ હશે. આ ચહેરો જોઇને મને પણ ક્ષણવાર એ યાદ આવી ગયું. એના પર ડર, વેદના અને એનાથી પણ વધુ કંઇકનો અકથ્ય ભાવ સ્થિર થઇ ગયો હતો. હું કહી શકું છું કે મેં મારા જીવનમાં દેખેલી કુદરતી અને કુદરત પરેની (સુપરનેચરલ)  વસ્તુઓમાં આ મુખભાવ સૌથી બિહામણી વસ્તુમાંથી એક હતો, જે મને ઘણા સમય સુધી દુ:સ્વપ્નોમાં દેખાયા કરવાનો હતો. અને કદાચ એથી જ, ક્ષણાર્ધ માટે મારું ધ્યાન આસપાસથી હટીને એ મોં પર સ્થિર થયું.

આગળ જેનું વર્ણન આપ્યું છે એ અંડાકાર શિલામાં પથ્થર ઘસાઇને એક છજલી જેવો ઊંડો ખાંચો બન્યો હતો. આ ખાંચો હું ઊભો હતો ત્યાંથી થોડે દૂર અને મારાથી પાંચેક ફૂટની ઊચાઇ પર હતો. હું  શિલાના તલથી અંદાજે બાર ફૂટ જેટલો દૂર હતો.  શિલા ગોળાકાર હોઇ મને એ છાજલીનો એક છેડો જ દેખાતો હતો; આખી છાજલી દેખાતી નહોતી.

એક ક્ષણના બેધ્યાનપણામાં હું શિલાની પ્રદક્ષિણા કરતો હોઉં એમ આગળ વધ્યો. ત્યાં જ મને અનુભવાયું કે હું જાનલેવા જોખમમાં છું. વિચારવાનો સમય નહોતો. મેં તરત જ મારી બંદૂક ઊંચી કરીને મારે છઠ્ઠી ઇંદ્રિયે સૂચવેલી દિશામાં માંડી. સાથે જ મારી આંખોએ નોંધા લીધી કે છાજલીમાંથી દીપડો મારા પર છલાંગ મારવાનો હતો.

તરત જ મેં ટ્રિગર દબાવી દીધી. આટલા અંતરથી, છરાવાળી બંદૂકનું નિશાન ચૂકવાનો સવાલ જ નહોતો. દીપડો હવામાં હતો ત્યાં જ ગોળીઓ એને વીંધી ગઇ.  છતાં એણે છલાંગ તો પૂરી કરી જ- એ ત્યાં જ પડ્યો જ્યાં ગોળી મરતી વખતે હું ઊભો હતો. સદ્‌ભાગ્યે શિકારીની અંત:પ્રેરણા અનુસાર,  ટ્રિગર દબાવીને હું તરત જ ત્યાંથી જરા દૂર ખસી ગયો હતો. નહીંતર એ મારી ઉપર જ પડ્યો હોત, અને એ કંઇ ઇચ્છનીય ન કહેવાય!

   આટલું લખતાં તો ઠીક સમય લાગે છે, પણ મેં બંદૂક માંડી ત્યારથી, દીપડો હવામાં જ ગોળીઓ ખાઇને નીચે પડ્યો એ ઘટનામાં ત્રણ યા ચાર સેકન્ડથી વધુ સમય થયો નહોતો.

થોડી ક્ષણો તરફડ્યા બાદ આદમખોર મૃત્યુને વશ થયો.

મારા શરીરમાં વ્યાપેલી ઉત્તેજનાને શાંત થતાં કેટલીક મિનિટો વીતી. ત્યાર પછી મેં સિગરેટ ચેતાવી. સિગરેટ પત્યા પછી હું ગામમાં ગયો. થોડી વાર પછી મેં ચીંધેલા રસ્તે આભારવશ ગામલોકો બન્ને મૃતદેહ લેવા માટે ગયા.

દીપડાની ચામડી છરાથી એકથી વધુ જગ્યાએ વિંધાઇ હોઇ ખાસ સાચવવાલાયક નહોતી. છતાં, મારા નિયમ અનુસાર, આ દીપડો આદમખોર કેમ બન્યો એનું કારણ જાણવા માટે મેં પ્રયત્ન કર્યો અને જ્યારે બાહ્ય ઇજાના કોઇ ચિહ્ન ના દેખાયા ત્યારે મેં એની ખાલ ઉતારી. આ પ્રાણીને મેં આગળ વિચિત્ર કહ્યું એનું કારણ  એ હતું કે એને કોઇ જ જાતની ઇજા કે બિમારી નહોતી, છતાં એ માનવભક્ષી બની ગયો હતો. કેટલાક લોકો એવું માનતા હોય છે કે શિકારી પ્રાણી ક્યારેક નરભક્ષી પ્રણયી કે પ્રણયિનીના સંગાથે માનવશિકારની આદત પાડી દે છે. અથવા તો માનવભક્ષી માદાનાં બચ્ચાં પણ મોટાં થઇને માનવનો શિકાર કરવા લાગે છે. પરંતુ  હું આ માન્યતાઓ સાથે સહમત નથી. અને અહીં પણ એ વાત લાગુ પડતી નહોતી, કારણ કે આ કે આજુબાજુના વિસ્તારમાં દાયકાઓથી કોઇ અન્ય નરભક્ષી પ્રાણી થયું નહોતું.

મને એક આશ્ચર્યની વાત એ પણ લાગી હતી કે હું જ્યારે અંડાકાર શિલાની પાસે હતો ત્યારે મારી હાજરીની ખબર પડતાં દીપડો આરામથી બચીને જતો રહી શક્યો હોત. એવું કરવાને બદલે એણે મારા પર હુમલો કરવાનું કેમ પસંદ કર્યું એ સમજવું અકળ હતું.

સિહોરના માનવભક્ષીની કારકિર્દીનો આ રીતે અંત આવ્યો અને અઠવાડિયા પછી, ભાવનગર રાજ્યના મહેમાન તરીકે હું કાઠિયાવાડના ગીરના જંગલમાં એશિયાઇ સિંહને નિહાળીને, હું કાલાધુંગી પહોંચી ગયો. 
         
(સમાપ્ત)

સોમવાર, 11 નવેમ્બર, 2019

સિહોરનો માનવભક્ષી દીપડો- 5


      આ પછીના ચોથા દિવસની સવારે ખબર આવી કે સિહોરથી લગભગ ત્રણ માઇલના અંતરે આવેલા ધ્રુપકા ગામે એક ચૌદ-પંદર વર્ષના છોકરાને દીપડાએ મારી નાખ્યો હતો. આ ગામમાં દીપડાનો આ પ્રથમ માનવશિકાર હતો. ખબર મળી કે તરત હું ધ્રુપકા જવા રવાના થયો. જોરાવરને મેં કેમ્પમાં રોકાવાની સૂચના આપી.

        ધ્રુપકા આશરે સોએક માણસોની વસ્તી ધરાવતું નાનકડું ગામ હતું. એ પણ ડુંગરો અને કાંટથી ઘેરાયેલું હતું. એક નાનો, કાચો રસ્તો-એક બળદગાડું પસાર થઇ શકે એવો- એને સિહોર સાથે જોડતો હતો. હું પગપાળા જઇ રહ્યો હતો. રસ્તામાં, દિવસ હોવાથી દીપડો મળે એવી શક્યતા અલબત્ત નહોતી; પણ એની સાથે આ પહેલાં પ્રસંગો પડ્યા ત્યારે ડુંગરની પથરાળ જમીન પર એનાં પગલાં હું સારી રીતે નિહાળી શક્યો નહોતો. બિડાલકુળનાં પ્રાણીઓનાં પગલાં પરથી એમની જાતિ, ઉંમર, કદ વગેરે ઘણી માહિતી મેળવી શકાય છે એ હું અગાઉ લખી ચૂક્યો છું.

        સિહોરથી ધ્રુપકાનો રસ્તો મોટે ભાગે કાંટમાંથી, પણ બન્ને ગામ નજીક આવે ત્યારે ખેતરો વચ્ચેથી પસાર થતો હતો. ખેતરો શરૂ થાય ત્યારે એક જાતના થોર અને બીજી કાંટાળી વનસ્પતિની વાડા વચ્ચેથી આ રસ્તો પસાર થતો. વર્ષોથી બળદગાડાની અવરજવરના કારણે રસ્તો ખાસ્સો નીચો થઇ ગયો હતો અને એના પર એકદમ બારીક, મુલાયમ ધૂળનો ઊંડો થર હતો. આના કારણે અવરજવરની નિશાની જોવા માટે એ ઉત્તમ ચિત્રપટ સમાન હતો.

        આ રસ્તે મને પહેલી વાર દીપડાનાં પગલાં સ્પષ્ટ રીતે જોવા મળ્યાં. પગલાં પરથી જાણ્યું કે એ પુખ્ત વયનો નર હતો. વાડની પાછળથી એ રસ્તા તરફ નીકળ્યો હતો અને ગામ તરફ જઇ રહ્યો હતો. પગલાંની કિનારીની ધૂળ જે રીતે વિખરાઇ ગઇ હતી અને ઊડી ગયેલાં ઝાકળબિંદુઓની આછી નિશાની દેખાતી હતી એ પરથીદેખાઇ આવતું હતું કે પગલાં પડ્યાં પછી રાત વીતી ગઇ છે. પગલાં જોતો જોતો હું આગળ વધવા લાગ્યો, અને ગામના છેવાડે આવેલા એક મોટા વડ પાસે પહોંચ્યો. દીપડાનાં પગલાં ત્યાંથી અદૃશ્ય થઇ જતાં હતાં.

જો કે આમાં આશ્ચર્ય જેવું ખાસ હતું નહીં. દીપડો દેખીતી રીતે જ, વડ પર ચડી ગયો હોય. છૂપાવા માટે એણે ઉત્તમ સ્થળ શોધ્યું હતું. ઘટાદાર અને વિસ્તૃત વડ પર એ આરામથી છૂપાઇ શકે, અને નીચે શિકારનો મોકો ઊભો થાય તો એને માત્ર એક છલાંગ જ મારવાની રહે. મારી ઇચ્છા પહેલાં ગામમાં જઇને વધુ માહિતી મેળવવાની હતી; પણ મને લાગ્યું કે શિકારનું સ્થળ આ વડની આસપાસ જ ક્યાંક હોવું જોઇએ. એટલે ગામમાં જવાનું મુલતવી રાખીને મેં વડની ચોતરફ એક ચક્કર લગાવવાનું નક્કી કર્યું.

મારી ધારણા પ્રમાણે જ, મને એ સ્થળ મળી ગયું કે જ્યાં દીપડાએ માનવનો શિકાર કર્યો હતો.

સ્થળ પરની નિશાનીઓ વાંચતાં જણાતું હતું, કે વડથી લગભગ પાંચેક યાર્ડના અંતરે પસાર થતી એક પગદંડી પર દીપડાએ સૌથી નજીકની ડાળી પરથી કૂદીને સીધો શિકાર પર હુમલો કર્યો હશે. ત્યાં થોડી પ્રતિકારની નિશાનીઓ દેખાતી હતી. અને પછી દીપડો છોકરાને ઘસડીને લઇ ગયાનો ચીલો.

આ ઘસડાટની નિશાનીઓ જોતાં-જોતાં હું આગળ વધ્યો. દીપડો શિકારને ઘસડતો ઘસડતો થોડે દૂરની ઝાડી તરફ લઇ ગયો હતો. એક સ્થળે છોકરાના હાથમાં એક ઝાંખરાનું થડિયું આવતાં એણે એ પકડી રાખવાની કોશિશ કરી હતી; પણ દીપડાએ એક આંચકા સાથે એ દુર્ભાગીની પકડ છોડાવી દીધી હતી. આ ઘટનાના મૂક સાક્ષીરૂપે એ થડ પર છોકરાની હથેળીની ચામડી લીરા થઇને ચોંટી હતી.

ત્યાંથી થોડા આગળ જઇને દીપડાએ  છોકરાને મારી નાખ્યો હતો. ત્યાં લોહીનું ખાબોચિયું ભરાયું હતું જે જમીનમાં શોષાઇ ગયું હતું પણ એના પર મકોડાનો થર જામ્યો હતો. અહીંથી દીપડો શિકારને લઇને એક નાળામાં કૂદી ગયો હતો.

(ક્રમશ: )

રવિવાર, 10 નવેમ્બર, 2019

સિહોરનો માનવભક્ષી દીપડો- 4


      સિહોર આવ્યા પછીના ચોથા દિવસે હું સિહોરના પુરાણા, તૂટેલા ગઢના એક કોઠા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આ દીપડા સાથે મારી પહેલી મુલાકાત થઇ. નવાઇની વાત એ છે કે કોઇ પક્ષીનો ચેતવણીનો અવાજ સંભળાયો નહોતો કે કોઇ એવો અન્ય સંકેત મળ્યો નહોતો જેનાથી દીપડાની હાજરી હોવાનો ખ્યાલ આવે. પણ મને છઠ્ઠી ઇંદ્રિય અથવા તો જંગલ સેન્સથી અચાનક જ લાગ્યું કે અહીં ક્યાંક જોખમ છે અને એ મારી ઉપર ઝળુંબી રહ્યું છે. આ અહેસાસ થતાં જ મેં આપોઆપ મારી બંદૂક ઊંચી કરીને તાકી- અને વિચાર્યા વગર જ થયેલી એ ચેષ્ટાએ મારો જીવ બચાવ્યો એમ હું માનું છું; કારણ કે કોઠાની રાંગના કાંગરા વચ્ચેથી મને દીપડાનો ખભાનો ભાગ સરી જતો દેખાયો. અલબત્ત મેં તત્ક્ષણ ગોળી છોડી,પણ મને ખબર હતી કે એ માત્ર પ્રતિક્રિયારૂપ બાર જ હતો જે સફળ ન થાય.

        ત્યાર બાદ મેં પાસેની ટેકરી પર થોડી ઊંચાઇ પર જઇને ચારે તરફ એને શોધવાનો પ્રયત્ન કર્યો- જો કે મને ખબર હતી કે એ હવે હાથમાં નહીં આવે.

        તે દિવસે દીપડાએ મારો પીછો કર્યો હોય કે શું, પણ રાત્રે અચાનક મારા તંબુની આસપાસ સૂઇ રહેતા ગામઠી કૂતરા રડવા અને ભસવા લાગ્યા. મારી આંખ તરત ઊઘડી ગઇ, અને જલદીથી બહાર આવીને મેં રાઇફલ પરની ટૉર્ચ ચાલુ કરીને આજુબાજુ ફેરવી- દીપડા  જેવું શાતીર પ્રાણી જો કે પોતાને ખુલ્લું ન જ પડવા દે; પરંતુ એની આંખમાંથી પ્રકાશ પરાવર્તિત થાય તો એ ક્યાં છે તેનો ખ્યાલ આવી શકે. મારી છઠ્ઠી ઇંદ્રિય જે દિશામાં ભય હોવાનું મને કહી રહી હતી, ડરથી તંબુના કાપડ નીચે ભરાઇ ગયેલા બે કૂતરા પણ એ દિશા તરફ જ ધ્યાનથી જોઇ રહ્યા હતા અને ક્રંદન જેવા ઉંહકારા કરી રહ્યા હતા.

        મારા બહાર આવવાથી દીપડો છૂપાઇ ગયો હતો, પણ જતો રહ્યો નહોતો એ તો નક્કી હતું. મને ખબર છે કે મનુષ્યની જેમ પ્રાણીઓ પણ છઠ્ઠી ઇંદ્રિય ધરાવે છે અને એમને એમની પાછળ પડેલો શિકારી પોતાના માટે ખતરો બની શકે છે એની જાણ થઇ જતી હોય છે. મને સ્પષ્ટ રીતે લાગ્યું કે દીપડો અત્યારે મારી હિલચાલ પર નજર રાખી રહ્યો છે. કેટલીક મિનિટો સુધી- હું કહી નથી શકતો કે દસ મિનિટ કે પંદર મિનિટ- આ લાગણી મને સાવચેત બનાવી રહી. એ પછી મને લાગ્યું કે દીપડો ત્યાંથી જતો રહ્યો છે. બન્ને કૂતરાએ પણ પોતાના ઉંહકાર બંધ કર્યા અને કાન સાવધ રાખીને પણ સ્વાભાવિક રીતે બેઠા.

        એ પછીની રાત્રે હું અપેક્ષા સેવતો હતો કે દીપડો ફરી મારા કેમ્પની મુલાકાત લેશે. પરંતુ એ રાત શાંતિથી પસાર થઇ ગઇ. કૂતરા ચેતવણી આપવા માટે સારા હતા, પણ દીપડાને એ નડતરરૂપ બનતા હોઇ મારો હેતુ પણ બર આવતો નહોતો. ખેર.

(ક્રમશ: )

શનિવાર, 9 નવેમ્બર, 2019

સિહોરનો માનવભક્ષી દીપડો-3


        (હવે પછીની વિગતો જિમ કૉર્બેટની અપ્રકટ નોંધમાંથી. આ નોંધપોથી ઉપલબ્ધ કરાવવા માટે અમે એમના પૌત્રભાણેજ (ગ્રાંડ્નેફ્યુ)શ્રી જ્યોર્જ માર્શલ, યુનાઇટેડ કિંગ્ડમના આભારી છીએ.)

        કુમાઊંની બહાર મેં માત્ર ત્રણ આદમખોરનો શિકાર કર્યો છે, અને ભવિષ્યમાં કદાચ એ વિશે અલગ પ્રકાશન થઇ શકે તો એ વધુ યોગ્ય રહેશે એ વિચારથી મેં અત્યાર સુધીના પુસ્તકોમાં આ શિકાર વિશે લખ્યું નથી. આમાંથી સૌથી છેલ્લે એક વાઘ મેં મધ્ય પ્રાંતોમાં રેવાની રિયાસતમાં માર્યો હતો, જ્યાં હું બીજા વિશ્વયુદ્ધ વખતે બર્મામાં લડનારી ટુકડીઓને  જંગલક્રાફટની તાલીમ આપી રહ્યો હતો. અહીં એ પણ નોંધી લઉં કે આ વાઘ શ્વેતવર્ણ હતો. બીજો દીપડો હતો, જેને મેં મધ્ય પ્રાંતોના નાગપુર પાસે માર્યો હતો. ત્રીજો દીપડો (અને કુમાઊંની બહાર મારો સર્વપ્રથમ આદમખોર) કાઠિયાવાડમાં હતો અને આ ત્રણેમાંથી આ પ્રાણી મને સૌથી વધુ વિચિત્ર લાગ્યું હતું. એનું કારણ આગળ આવશે.

        19‌‌—ના શિયાળાની એક બપોરે કાલાધુંગીના ઘરના વરંડામાં હું અને મેગી ચા લઇ રહ્યાં હતાં ત્યારે મને એક લાંબો ટેલિગ્રામ મળ્યો. ભાવનગરના પોલિટિકલ એજન્ટ એલેક્ઝાંડર ફ્રેઝર યુક્ત પ્રાંતના ડેપ્યુટી કમિશ્નર ડિક ફોર્ડાઇસના સહાધ્યાયી મિત્ર હતા અને મારી સાથે શિકાર કરી ચૂક્યા હતા. એમણે મારું નામ આ દીપડાને મારવા માટે સૂચવ્યું હતું,અને ભાવનગર રાજ્ય તરફથી મને શક્ય એટલી ત્વરાથી એ માટે આવવાની વિનંતી કરવામાં આવી હતી. મારે કહેવું જોઇએ કે મારી ઇચ્છા હા પાડવાની નહોતી. મોકામેહ ઘાટ પરની મારી કામગીરી પર મારે એક મહિનામાં પરત જવાનું હતું.  વળી આ પ્રદેશથી હું અપરિચિત હતો. ભાષાથી માંડીને શિકારીને મદદરૂપ થાય એવા સ્થાનિક પક્ષીઓની હાજરી સહિત અનેક વિચાર મારા મનમાં આવી ગયા, પણ ટેલિગ્રામમાં જે રીતનું લખાણ હતું, એણે ના કહેવાનું અશક્ય બનાવી દીધું. મેગી સાથે ચર્ચા કરીને મેં  બીજા દિવસે મારી સંમતિનો ટેલિગ્રામ કરી દીધો.

        કાલાધુંગીથી નીકળીને હું ચોથા દિવસે બપોરે ભાવનગર પહોંચ્યો. રેલવે સ્ટેશન પર મને લેવા માટે રાજ્યની ગાડી આવી હતી.  તે રાતનું ભોજન મેં દીવાન સાથે લીધું. ભોજન બાદ મને મારી જરૂરિયાતો વિશે પૂછવામાં આવ્યું. મારી પાસે જરૂરી સાધનસામગ્રી હતી જ; પણ સ્થાનિક પ્રાકૃતિક વાતાવરણથી વાકેફ અને શિકારનો અનુભવ ધરાવતા માણસની મને જરૂર લાગી. અલબત્ત, એને હિંદુસ્તાની આવડતી હોય એ પણ જરૂરી હતું.

        બીજા દિવસે એક યુવાન મને મળવા આવ્યો. એને સૂચના હતી કે એણે મારા મદદનીશ તરીકે રહેવાનું હતું. એનું નામ જોરાવરસિંહ હતું. જોરાવરના ચહેરા પર ઉત્સાહની છાપ દેખાતી હતી. હિંદુસ્તાની ઉપરાંત એ બટલર ઈંગ્લિશ પણ બોલી લેતો હતો. એનો મોટો ગુણ એ હતો કે જરૂર વગર એ ચૂપ રહેતો. જંગલમાં અને જીવનમાં પણ આવા સાથી ઉપયોગી બનતા હોય છે.

        જોરાવર પાસેથી મેં દીપડા વિશે, સ્થાનિક ભૂપૃષ્ઠ વિશે, તેમ જ દીપડો જ્યાં શિકાર કરતો હતો તે પ્રદેશ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. એની પાસેથી ખાસ નવી માહિતી ન મળવા છતાં, એના જવાબોથી મને સંતોષ થયો. આ વાતચીતના અંતે હું નીચે મુજબના નિર્ણય પર આવ્યો:


1.    દીપડાને ઘેટાં-બકરાં જેવા મારણમાં રસ ના હોવાનું જણાતું હતું. પણ તે છતાં, મેં ત્રણ- ચાર બકરીને અલગ અલગ  જગ્યાએ  મારણ તરીકે બાંધવાનું નક્કી કર્યું; કારણ કે દીપડો ફરી કોઇ માનવશિકાર કરે તેની રાહ જોઇને બેસી રહેવાનો અર્થ નહોતો. દીપડાને ઓળખવાની કોઇ એંધાણી ના હોઇ, હાલ પૂરતું તો દરેક દીપડાને શંકાસ્પદ ગણવાનું રાખવું.


        2. ભાવનગરથી આશરે 15 માઇલના અંતરે આવેલા સિહોરમાં મુકામ રાખવાનું મેં નક્કી કર્યું. 

     
        એ મુજબ, બીજા દિવસે સવારે હું ભાવનગરથી સિહોર પહોંચી ગયો, અને લોકોના વિરોધ છતાં, મેં ગૌતમી નદીના કાંઠે એક ખુલ્લી જગ્યા પર મારો તંબુ નાખ્યો. મને આગ્રહપૂર્વક કહેવામાં આવ્યું કે ચા સિવાયની કોઇ પણ વસ્તુ મારે બનાવવાની નથી, રોજ મારા માટે ભોજન આવી જશે. આવી મહેમાનગતિને ખાળવી સહેલી તો નહોતી જ, પણ કેટલાક વ્યવહારુ કારણોસર મેં એ વાતની ના પાડી. લોકો નિરાશ થયા, પણ એમણે એ સ્વીકારી લીધું. મેં જોયું કે મારા વહાલા પહાડી લોકોની અને આ સુદૂર પશ્ચિમમાં વસતા લોકોની માનસિકતામાં અજબ સામ્ય હતું!

        પણ સિહોરની આસપાસનું જંગલ! જો એને જંગલ કહી શકાય તો- એ એકદમ જુદું હતું. અહીં નીચાં, કાંટાળા જાળાં હતાં; જેમની ગીચતા જોઇને મને ક્યાંક ક્યાંક અમારા પહાડોમાં થતી રિંગલ વાંસની અને લેન્ટાનાની ગીચોગીચ ઝાડી યાદ આવી જતી. પણ એકંદરે આ વનરાજી મને ઘણી જ ઝાંખી-પાંખી લાગી. ટેકરીઓ, કાંટાવાળાં જાળાં અને પથ્થરો. વચ્ચે વચ્ચે જે વૃક્ષો હતાં તે મને ભવિષ્યમાં આફ્રિકાનાં ભૂદૃશ્યો જોઉં ત્યારે યાદ આવવાનાં હતાં.

        અહીંની પક્ષીસૃષ્ટિ પણ ઘણી અલગ હતી. છતાં મને એવાં પક્ષી મળ્યાં જેમની ચેતવણી પર આધાર રાખી શકાય.  લાફિંગ-થ્રશની જગ્યાએ બેબ્લર્સ (લલેડાં), મેગપાઇની જગ્યાએ ટ્રી-પાઈ (ખેરખટ્ટા), કલીજ વનમોરની જગ્યાએ મોર; અને બુલબુલ, કાબર વગેરે તો ખરાં જ.

        સિહોરમાં મારા પહેલા દિવસે આમ આસપાસ ફરાય એટલું ફરીને મેં ભૂપૃષ્ઠ અને સજીવસૃષ્ટિનો પરિચય મેળવ્યો. જોરાવરને મેં બકરીઓ ખરીદવાનું કામ સોંપ્યું હતું જે એણે સાંજ સુધીમાં પતાવ્યું; અને પહેલી રાત મેં કેમ્પમાં આવી ચડેલા બે સ્થાનિક પાઇ કૂતરા, બકરીઓ, અને જોરાવર સાથે કોઇ ખલેલ વગર પસાર કરી.

        દીપડાએ છેલ્લો માનવશિકાર કર્યાને પાંચ દિવસ થઇ ગયા હતા. મેં તારણ કાઢ્યું હતું કે એના દરેક માનવ શિકાર વચ્ચે આશરે પાંચથી બાર દિવસનો ગાળો રહેતો હતો. આનો અર્થ એ કે આ દીપડો માત્ર માનવશિકાર પર આધાર નહોતો રાખતો. હવે એ સમય નજીક હતો કે પોતાની ભૂખ સંતોષવા એ ક્યાંક ત્રાટકે. મને આશા હતી કે એ કોઇ માણસને ખાવાના બદલે મારી બકરીનું મારણ કરી મને એને મારવાનો મોકો આપશે.

        એક વાત તો હતી. દીપડો હિમાલયનો હોય કે કાઠિયાવાડનો; જો કોઇ ભેદ હોય તો એ માત્ર એના નિવાસસ્થાનમાં હતો. દીપડાની ચતુરાઇ, માણસો વિશેનો એનો ડર, એની ખાનપાનની આદતો- આ બધું તો બધે જ સર્વસામાન્ય હતું.

        હિમાલયમાં મેં ક્યારેક પાલતુ પશુઓને રંજાડતા દીપડાને દિવસે મારેલા છે. સવારની ઠંડીમાં પોતાને ગમતા સ્થાન પર તડકો ખાતાં બેસવું એને ગમતું હોય છે. વહેલી સવારે એ ત્યાં પહોંચે એ પહેલાં એ ખડક કે કરાડની આસપાસ કોઇ અનુકુળ સ્થળ હોય તો- અલબત્ત, જરા ઊંચાણે- ત્યાં શિકારીએ છૂપાઇ રહેવાનું. કહેવાની ભાગ્યે જ જરૂર હોય, કે આ રીતમાં શિકારીની આવડતની પૂરી કસોટી થાય છે. દીપડા જેવા ચાલાક અને શંકાશીલ પ્રાણીને ખબર ન પડે એ રીતે ત્યાં પહોંચવા અને બેસવા માટે- કારણ કે આવાં સ્થાનો સામાન્ય રીતે એના નિવાસસ્થાનથી ખાસ દૂર હોતા નથી- શિકારી જંગલક્રાફ્ટ  પર સારું પ્રભુત્વ ધરાવતો હોય એ જરૂરી છે.

        અહીં અલબત્ત હિમાલય જેટલી ઠંડી નહોતી,પણ શિયાળો હોઇ ઠંડકનો માહૌલ તો હતો જ. દીપડાએ મારણ  કર્યાના ચોક્કસ ખબર ના મળે કે દીપડો બેઇટ પર ન આવે ત્યાં સુધી મેં આસપાસની ટેકરીઓ પર ફરીને આ રીતે દીપડાને શોધવાનું નક્કી કર્યું. સવારના સમયે આ રીતે ડુંગરા અને કાંટમાં ફરવાનું, સમય રહે તો આસપાસનાં ગામની મુલાકાત લેવી, અને દિવસ નમતો હોય ત્યારે બેઇટ બાંધવાનું કામ કરવું- આ મારું સમયપત્રક બની ગયું.

(ક્રમશ: )


શુક્રવાર, 8 નવેમ્બર, 2019

સિહોરનો માનવભક્ષી દીપડો- 2


        આ એક કિસ્સા પર લોકોએ ખાસ ધ્યાન ના આપ્યું. પણ એ પછી સિહોરના ગઢની તૂટેલી દીવાલની ઓથે રોજ માફક કળશ્યે ગયેલી એક કુંભારની ડોશી પાછી ના આવી. એના છએક દિવસ પછી પાદર પાસે વાડો બનાવીને ગાડર રાખતો એક ભરવાડ રાતે વાડામાંથી ગુમ થઇ ગયો. એની કડિયાળી ડાંગ ખાટલા પાસે જ પડી રહી હતી અને લોહી, દીપડાનાં પગલાં અને ગભરાયેલાં ગાડર-બકરાં શું બન્યું તેની ચાડી ખાતા હતાં. છેલ્લે સિહોરના ગઢને ઘસાઇને વહેતી ગૌતમી નદીના ધરે નમતા પહોરે કપડાં ધોવા ગયેલી એક લુહાણા બાઇને દીપડો ખેંચી ગયો, ત્યારથી સિહોરમાં દહેશતનું સામ્રાજ્ય સંપૂર્ણ બન્યું. સાંજના સાડાપાંચ-છ થતાં તો બજાર બંધ થઇ જવા લાગી. સિહોર પહેલેથી જ આજુબાજુનાં ગામ માટે હટાણાનું સ્થળ હતું. પણ હવે ગામડામાંથી સિહોર આવતાં પણ લોકો વિચાર કરવા લાગ્યા. ભાવનગર દરબાર તરફથી આ આદમખોરનો શિકાર કરનાર માટે એ સમયે તો મબલખ કહેવાય એવું ઇનામ જાહેર કરવામાં આવ્યું.

        દીપડાને મારવાની અને માતબર ઇનામની ઇચ્છાએ ઘણા શિકારીએ જુદી જુદી રીતો અજમાવી જોઇ, પણ કોઇની કારી ફાવી નહીં. એ સમયે મરેલાં ઢોરને ચામડું ઉતારીને શહેરની બહાર એક નક્કી જગ્યાએ ફગાવી દેવામાં આવતાં. આ ભામ નાખવાની જગ્યાની મુલાકાતે નોળિયા-શિયાળ-ગીધ-લોંકડી-કાગડાથી માંડીને ઝરખ, બૂટડાં અને દીપડા પણ આવતા. અહીં એક પાડરની લાશમાં સોમલ ભરીને મૂકવાનો પ્રયોગ કરવામાં આવ્યો.  દીપડો તો ન મર્યો પણ કૂતરાં, શિયાળ, સમળી વગેરે ઠીક સંખ્યામાં મરેલાં મળી આવ્યાં અને એમ એ જુગતિ પડતી મૂકાઇ.

        ભાવનગર રાજ્યની ઘોડેસવાર ટુકડીના એક શિકારનો શૉખ ધરાવતા-અને સાથે જ ઘણો આત્મવિશ્વાસ ધરાવતા એક જમાદારે આ દીપડાનો શિકાર કરવાનું બીડું ઝડપ્યું. એમને વિશ્વાસ હતો કે  બકરી બાંધવાથી દીપડો જરૂર એનું મારણ કરવા આવશે, અને એ રીતે તેને મારવાનો મોકો મળી જશે. એમને એ પણ વિશ્વાસ હતો કે સફેદ અથવા લાલ રંગની હોવી જોઇએ. ઠીક તપાસ કર્યા બાદ એમણે એક સફેદ બકરી ખરીદી અને રાજિયા ડુંગરની નીચેની ગાળી એને બાંધવાના સ્થળ તરીકે પસંદ કરી.

        તે રાતે, સિહોરમાં એક પણ માણસનો સંચળ સંભળાતો નહોતો. આ નિ:સ્તબ્ધ શાંતિનો ભંગ માત્ર  ક્યારેક આવતા કૂતરાના ભસવાના કે રડવાના આવાજથી, ચીબરીના કાળા કલબલાટથી અને શિયાળની લાળીથી થતો હતો. સફેદ બકરીની ઉંઘરેટી બેં-બેં ગામ સુધી તો નહોતી પહોંચતી. જમીનમાં એક ઊંડો ખૂંટો નાખીને એને બાંધવામાં આવી હતી. એ જગ્યાથી આશરે વીસેક ફૂટ દૂર ખીજડાના એક વૃક્ષ પર જમાદાર રામસિંહે નાનકડો મચાન બનાવ્યો હતો. જમીનથી આ માંચડાની ઊંચાઇ લગભગ પંદર ફૂટની હતી. જમાદાર પોતાની બંદૂક પર જ હાથ રાખીને દીપડાના આગમનની રાહ જોઇ રહ્યા હતા. રાત ધીમે ધીમે આગળ વધતી હતી,અને અચાનક એક ધડાકાથી એ કંપી ઉઠી! કાંટનાં મોર-તેતર-કાગડા અચાનક બોલવા લાગ્યા. પછી ધીમે ધીમે ફરીથી સન્નાટાનું સામ્રાજ્ય સ્થપાઇ ગયું. આ ગોળીબારને સાંભળી શક્યા એ લોકોએ પ્રભુનો આભાર માન્યો અને ફરીથી નિદ્રાને શરણે થયાં.

        સવારે જરા અજવાળું થતાં જે લોકો એક ટોળામાં રાજિયાની ગાળીમાં તપાસ કરવા ગયાં એ ચકિત અને ભયભીત થઇ ગયાં. સફેદ બકરી સલામત હતી અને ઊંઘતી હતી. પણ વૃક્ષ નીચે પડી ગયેલી બંદૂક અને મચાન પરના લોહીના ધબ્બા રાતની નીરવતામાં ઘટેલી કરપીણ ઘટનાની ચાડી ખાતાં હતાં.

        લાગતું હતું કે બકરીના અવાજથી આકર્ષાયેલા દીપડાએ ઊંધા ખાટલાનો મચાન અને એના પર બેઠેલ શિકારીને દૂરથી જોઇ લીધા હશે. ખીજડાથી થોડે જ દૂર એક મોટી શિલા હતી. એની આડશ લઇને, અને પછી શક્ય છે કે એના ઉપર ચડીને પછી છલાંગ મારી એ માંચડા સુધી પહોંચી ગયો અને રામસિંહને પાછળથી દબોચી લીધા. પગલાં અને લોહીનાં નિશાન પરથી લાગતું હતું કે દીપડાએ અચાનક, અણધાર્યો હુમલો કરતાં રામસિંહે આમ જ, બચવાના પ્રયત્નમાં ટ્રિગર દબાવી દીધી. ત્યારે દીપડો ધડાકાથી ગભરાઇને લોહીલુહાણ રામસિંહને મચાન પર જ છોડીને   જતો રહ્યો. દુર્ભાગ્યવશ રામસિંહના હાથમાંથી બંદૂક છૂટીને નીચે પડી ગઇ હતી. રામસિંહ કદાચ ઓછા ઘાયલ થયા હોત, તો પણ નીચે ઉતરીને અંધારામાં બંદૂક શોધવા ન જઇ શક્યા હોત. એવું કરવું એટલે તો મોતને સામેથી નોતરવું.

ગંભીર રીતે ઘાયલ રામસિંહ મચાન પર જ  પડ્યા રહ્યા. એમને કદાચ એવો વિચાર આવ્યો હશે, કે દીપડો ગોળીબારના અવાજથી ગભરાઇને જતો રહ્યો છે. આ રાત વીતી જશે એટલે વાંધો નહીં આવે.

પરંતુ દીપડો એટલો ખૂંખાર થઇ ગયો હતો કે ધડાકાના અવાજથી ભાગી ગયો હતો તો પણ, દોઢ-બે કલાક પછી એ ફરીથી આવ્યો, અને મચાન પરથી જમાદારને ઉપાડી ગયો. એ સમયે રામસિંહ જીવતા હતા કે મૃત, એ જાણવું શક્ય નહોતું. આખો દિવસ તપાસ કર્યા બાદ એક તલબાવળના ઝૂંડ નીચે એમનો અર્ધભક્ષિત દેહ મળી આવ્યો.

વન્યપ્રાણી માટે અસામાન્ય ગણાય એવા વર્તનના કારણે હવે લોકોમાં આ દીપડો પ્રાણી નહીં પણ કોઇક દુષ્ટાત્મા કે દુષ્ટ શક્તિ હોવાની વાતો થવા લાગી. એની નજર એક વાર જેના પર પડી જાય એ વ્યક્તિ પછી જીવતી સવાર ન જુએ, એવું લોકો માનવા લાગ્યા.

રામસિંહ પછી અન્ય શિકારીઓએ જુદી જુદી રીતે દીપડાને મારવાના પ્રયત્ન કરી જોયા. સદ્‌નસીબે એ પ્રયત્નોમાં કોઇ શિકારી મરણશરણ ન થયો. દીપડો પણ. ધીમે ધીમે આ દીપડાએ કરેલા માનવશિકારની સંખ્યા 28 જેટલી થઇ.

(ક્રમશ: )

ગુરુવાર, 7 નવેમ્બર, 2019

સિહોરનો માનવભક્ષી દીપડો


સિહોરનો માનવભક્ષી દીપડો

     ભાવનગર સ્થપાયું એ પહેલાં ગંગાજળિયા ગોહિલ કુળના રાજ્યની રાજધાની સિહોર હતી. પૌરાણિક સમયમાં સિંહપુર તરીકે વિખ્યાત આ નાનકડી નગરી ટેકરીઓ વચ્ચે વસેલી અને ગઢથી રક્ષાયેલી છે. નગરઅધિષ્ઠાત્રી સિહોરી માતા સૌથી ઊંચી ટેકરી પર બિરાજે છે. યુદ્ધનું નિમિત્ત બની ચૂકેલો સાતશેરીનો ચોરો, નવનાથનાં મંદિર અને જેના જલમાં સ્નાન કરવાથી ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહદેવનો કોઢ દૂર થયો હોવાનું કહેવાય છે એ બ્રહ્મકુંડ-આ સર્વે સ્થાન સિહોરની શોભા વધારતા હતા. આપણે જે સમયની વાત કરવાના છીએ એ સમયે સિહોર-જેને લોકો શિહોર કે શ્યોર પણ કહેતા-ની આસપાસ ઘાટી, રળિયામણી કાંટ પથરાયેલી હતી.

        ગઇ સદીના શરૂઆતના વર્ષોમાંથી એક વર્ષના એપ્રિલ મહિનાની આ વાત છે, જ્યારે સિહોરના આદમખોરને પોતાનો પહેલો માનવ શિકાર મળ્યો હતો.

        સિહોરની પરમાર શેરીમાં રહેતા રૂડા કોળીની તેર વરસની દીકરી સવિતા એટલે કે સવલીનાં લગન તો નાનપણમાં થઇ ગયાં હતાં, પણ આણું આ ચોમાસું જાય પછી વાળવાનું હતું. સવલી આજે સિહોરની આસપાસ લીલી ચુંદડીની જેમ પથરાયેલી કાંટમાં ગૂગળાં વીણવા ગઇ હતી. આવડી છોડીને એકલી તો ના મોકલાય, એટલે એનો દસ વરસનો ભાઇ મેપો પણ સાથે હતો. ગૂગળાં વીણતી, વચ્ચે વચ્ચે ગૂગળાં, ટિમરૂ, ભડીબોર જેવો વગડાઉ મેવો ખાતી જતી ભાઇ-બહેનની આ જોડીને ખબર નહોતી કે એક ભૂખ્યા કાતિલની બે લીલી આંખો એમને એક શિલાની આડેથી ક્યારની નિહાળી રહી છે. એ કાતિલનું ટપકાળું શરીર કાંટના કેરડાં, પીલુ, ગૂગળ, તલબાવળ, સાલેડી વગેરેનાં પાનના તલકછાંયામાં આબાદ ભળી જતું હતું.

        ફાટેલી ગુલાબી ચૂંદડીની ખોઇ બનાવીને સવીએ એમાં ગૂગળાં ભર્યાં હતાં. કાલે કન્યાશાળા- છોડિયુંની નિહાળ્ય- સામે વેચવા બેસે તો બધાં વેચાઇ જશે-એક પાઇની ટોયલી; ને કદાચ બે આના જેટલી  આવક પણ થાય! આ વિચારે એણે થોડો દિ નમ્યો ત્યારે પણ કામ ચાલુ રાખ્યું. આમ પણ એ નાનપણથી આ કાંટમાં કેટલું રમી અને રખડી હતી! બે પગવાળા પ્રાણી સિવાય કોઇનો ભો અહીં હોય એવું કોણ ધારે? કાંટમાં સસલાં, રોઝડાં, શિયાળ, લોંકડી, શાહુડી જેવાં પ્રાણીઓ ઉપરાંત ઝરખ પણ રહેતા હતા એ સવી જાણતીતી. પણ ઝરખ રાત વિના બારા નીકળે નહીં. બૂટડાનું પણ એમ જ. એટલે એ તો કાયમની જેમ પોતાના કામમાં મસ્ત હતી.

        ઢળી રહેલો સૂરજ ટેકરીની ઓથે આવતાં સવી અને મેપો જે ગાળામાં હતાં, ત્યાં તડકો પડવાનું બંધ થઇ ગયું અને એટલા ભાગનો રંગ વધુ ઘેરો બન્યો. ભાઇ-બહેને હવે ઘર તરફ જવા પગ ઉપાડ્યા. સાંકડી કેડીમાં મેપો આગળ હતો અને સવી પાછળ ખોઇ સાચવતી સાચવતી જતી હતી.

        ગામના છેવાડે આવેલા સુખનાથ મહાદેવના મંદિરમાં સાંજની આરતીની તૈયારી થઇ રહી હતી, ત્યાં જ બીકથી આંખો ફાટી રહી છે, કપડામાં કાંટા ભરાયેલા છે, શરીરે ઉઝરડા છે અને શ્વાસ ધમણની જેમ ચાલે છે એવી દશામાં મેપો દોડીને આવ્યો અને ઢગલો થઇ ગયો. પૂજારી અને આરતી માટે આવેલા સાત-આઠ શ્રદ્ધાળુઓએ છોકરાની દશા જોઇ એને બેઠો કર્યો, કોઇએ વળી મોં પર પાણી છાટ્યું. એનો શ્વાસ જરા હેઠો બેઠો અને  બોલવામાં સંબદ્ધતા આવી ત્યારે બધાને સમજાયું કે એની બહેન એની પાછળ-પાછળ કાંટમાંથી બહાર આવી રહી હતી ત્યારે અચાનક એક ગૂંગળાતી ચીસ જેવો અવાજ સાંભળી મેપાએ પાછળ જોયું તો ભયંકર દૃશ્ય જોવા મળ્યું. છોકરી નીચે પડી ગઇ હતી અને એની ગરદન દીપડાના મોંમાં હતી. દિગ્મૂઢ થઇને ઊભા રહેલા મેપાની  નજર સામે જ એ શેતાન એની બહેનને ખેંચતો કાંટની ઝાડીમાં અલોપ થઇ ગયો. બાળક મેપાને શું કરવું તે ના સૂઝતાં દોડીને અહીં સુધી પહોંચ્યો. 

        થરથર ધ્રુજતા મેપાની વાત સાંભળી લોકો ડાંગ, લાકડી ને ફાનસ લઇને ડુંગરની ગાળીમાં પહોંચ્યા. તલબાવળના જાળા પાસેથી કેડી વળાંક લેતી હતી ત્યાં પહોંચ્યા તો દીપડાનાં પગલાં, લોહીવાળી જમીન, કંઇક ઘસડાયાની નિશાની- આટલું જોવા મળ્યું. અને હા, આમતેમ વેરાયેલાં ગૂગળાં અને ઝાડીમાં ફસાયેલો ગુલાબી ચૂંદડીનો એક લીરો.

        સિહોરના આદમખોરનો આ પહેલો માનવશિકાર હતો.

(ક્રમશ: )

બુધવાર, 6 નવેમ્બર, 2019

નમસ્તે.


    
સ્વાગત, ભલે પધાર્યા.

આજથી બ્લૉગ શરૂ કરું છું. મને લખવું ગમે છે. તમને એ વાંચવું ગમે, તો મને એ પણ ગમશે.

શબ્દ સિવાયના માધ્યમો પણ મને પ્રિય છે, સમયાંતરે એમાંથી પણ અહીં કેટલુંક આવશે.

તો, આરંભ.