આ એક કિસ્સા પર લોકોએ ખાસ ધ્યાન ના આપ્યું. પણ એ પછી સિહોરના
ગઢની તૂટેલી દીવાલની ઓથે રોજ માફક કળશ્યે ગયેલી એક કુંભારની ડોશી પાછી ના આવી. એના
છએક દિવસ પછી પાદર પાસે વાડો બનાવીને ગાડર રાખતો એક ભરવાડ રાતે વાડામાંથી ગુમ થઇ
ગયો. એની કડિયાળી ડાંગ ખાટલા પાસે જ પડી રહી હતી અને લોહી, દીપડાનાં
પગલાં અને ગભરાયેલાં ગાડર-બકરાં શું બન્યું તેની ચાડી ખાતા હતાં. છેલ્લે સિહોરના
ગઢને ઘસાઇને વહેતી ગૌતમી નદીના ધરે નમતા પહોરે કપડાં ધોવા ગયેલી એક લુહાણા બાઇને
દીપડો ખેંચી ગયો, ત્યારથી સિહોરમાં દહેશતનું સામ્રાજ્ય
સંપૂર્ણ બન્યું. સાંજના સાડાપાંચ-છ થતાં તો બજાર બંધ થઇ જવા લાગી. સિહોર પહેલેથી જ
આજુબાજુનાં ગામ માટે હટાણાનું સ્થળ હતું. પણ હવે ગામડામાંથી સિહોર આવતાં પણ લોકો
વિચાર કરવા લાગ્યા. ભાવનગર દરબાર તરફથી આ આદમખોરનો શિકાર કરનાર માટે એ સમયે તો મબલખ
કહેવાય એવું ઇનામ જાહેર કરવામાં આવ્યું.
દીપડાને મારવાની અને માતબર ઇનામની ઇચ્છાએ ઘણા શિકારીએ જુદી જુદી
રીતો અજમાવી જોઇ, પણ કોઇની કારી ફાવી નહીં. એ સમયે મરેલાં
ઢોરને ચામડું ઉતારીને શહેરની બહાર એક નક્કી જગ્યાએ ફગાવી દેવામાં આવતાં. આ ભામ
નાખવાની જગ્યાની મુલાકાતે નોળિયા-શિયાળ-ગીધ-લોંકડી-કાગડાથી માંડીને ઝરખ, બૂટડાં અને દીપડા પણ આવતા. અહીં એક પાડરની લાશમાં સોમલ ભરીને મૂકવાનો
પ્રયોગ કરવામાં આવ્યો. દીપડો તો ન મર્યો
પણ કૂતરાં, શિયાળ, સમળી વગેરે ઠીક
સંખ્યામાં મરેલાં મળી આવ્યાં અને એમ એ જુગતિ પડતી મૂકાઇ.
ભાવનગર રાજ્યની ઘોડેસવાર ટુકડીના એક શિકારનો શૉખ ધરાવતા-અને
સાથે જ ઘણો આત્મવિશ્વાસ ધરાવતા એક જમાદારે આ દીપડાનો શિકાર કરવાનું બીડું ઝડપ્યું.
એમને વિશ્વાસ હતો કે બકરી બાંધવાથી દીપડો
જરૂર એનું મારણ કરવા આવશે, અને એ રીતે તેને મારવાનો મોકો મળી જશે.
એમને એ પણ વિશ્વાસ હતો કે એ સફેદ અથવા લાલ રંગની હોવી
જોઇએ. ઠીક તપાસ કર્યા બાદ એમણે એક સફેદ બકરી ખરીદી અને રાજિયા ડુંગરની નીચેની ગાળી
એને બાંધવાના સ્થળ તરીકે પસંદ કરી.
તે રાતે, સિહોરમાં એક પણ માણસનો સંચળ સંભળાતો નહોતો.
આ નિ:સ્તબ્ધ શાંતિનો ભંગ માત્ર ક્યારેક
આવતા કૂતરાના ભસવાના કે રડવાના આવાજથી, ચીબરીના કાળા
કલબલાટથી અને શિયાળની લાળીથી થતો હતો. સફેદ બકરીની ઉંઘરેટી બેં-બેં ગામ સુધી તો
નહોતી પહોંચતી. જમીનમાં એક ઊંડો ખૂંટો નાખીને એને બાંધવામાં આવી હતી. એ જગ્યાથી
આશરે વીસેક ફૂટ દૂર ખીજડાના એક વૃક્ષ પર જમાદાર રામસિંહે નાનકડો મચાન બનાવ્યો હતો.
જમીનથી આ માંચડાની ઊંચાઇ લગભગ પંદર ફૂટની હતી. જમાદાર પોતાની બંદૂક પર જ હાથ
રાખીને દીપડાના આગમનની રાહ જોઇ રહ્યા હતા. રાત ધીમે ધીમે આગળ વધતી હતી,અને અચાનક એક ધડાકાથી એ કંપી ઉઠી! કાંટનાં મોર-તેતર-કાગડા અચાનક બોલવા
લાગ્યા. પછી ધીમે ધીમે ફરીથી સન્નાટાનું સામ્રાજ્ય સ્થપાઇ ગયું. આ ગોળીબારને
સાંભળી શક્યા એ લોકોએ પ્રભુનો આભાર માન્યો અને ફરીથી નિદ્રાને શરણે થયાં.
સવારે જરા અજવાળું થતાં જે લોકો એક ટોળામાં રાજિયાની ગાળીમાં
તપાસ કરવા ગયાં એ ચકિત અને ભયભીત થઇ ગયાં. સફેદ બકરી સલામત હતી અને ઊંઘતી હતી. પણ
વૃક્ષ નીચે પડી ગયેલી બંદૂક અને મચાન પરના લોહીના ધબ્બા રાતની નીરવતામાં ઘટેલી
કરપીણ ઘટનાની ચાડી ખાતાં હતાં.
લાગતું હતું કે બકરીના અવાજથી આકર્ષાયેલા દીપડાએ ઊંધા ખાટલાનો
મચાન અને એના પર બેઠેલ શિકારીને દૂરથી જોઇ લીધા હશે. ખીજડાથી થોડે જ દૂર એક મોટી
શિલા હતી. એની આડશ લઇને, અને પછી શક્ય છે કે એના ઉપર ચડીને પછી
છલાંગ મારી એ માંચડા સુધી પહોંચી ગયો અને રામસિંહને પાછળથી દબોચી લીધા. પગલાં અને
લોહીનાં નિશાન પરથી લાગતું હતું કે દીપડાએ અચાનક, અણધાર્યો
હુમલો કરતાં રામસિંહે આમ જ, બચવાના પ્રયત્નમાં ટ્રિગર દબાવી
દીધી. ત્યારે દીપડો ધડાકાથી ગભરાઇને લોહીલુહાણ રામસિંહને મચાન પર જ છોડીને જતો રહ્યો. દુર્ભાગ્યવશ રામસિંહના હાથમાંથી
બંદૂક છૂટીને નીચે પડી ગઇ હતી. રામસિંહ કદાચ ઓછા ઘાયલ થયા હોત, તો પણ નીચે ઉતરીને અંધારામાં બંદૂક શોધવા ન જઇ શક્યા હોત. એવું કરવું
એટલે તો મોતને સામેથી નોતરવું.
ગંભીર રીતે ઘાયલ
રામસિંહ મચાન પર જ પડ્યા રહ્યા. એમને
કદાચ એવો વિચાર આવ્યો હશે, કે દીપડો ગોળીબારના અવાજથી
ગભરાઇને જતો રહ્યો છે. આ રાત વીતી જશે એટલે વાંધો નહીં આવે.
પરંતુ દીપડો એટલો
ખૂંખાર થઇ ગયો હતો કે ધડાકાના અવાજથી ભાગી ગયો હતો તો પણ,
દોઢ-બે કલાક પછી એ ફરીથી આવ્યો, અને મચાન પરથી જમાદારને
ઉપાડી ગયો. એ સમયે રામસિંહ જીવતા હતા કે મૃત, એ જાણવું શક્ય
નહોતું. આખો દિવસ તપાસ કર્યા બાદ એક તલબાવળના ઝૂંડ નીચે એમનો અર્ધભક્ષિત દેહ મળી
આવ્યો.
વન્યપ્રાણી માટે
અસામાન્ય ગણાય એવા વર્તનના કારણે હવે લોકોમાં આ દીપડો પ્રાણી નહીં પણ કોઇક
દુષ્ટાત્મા કે દુષ્ટ શક્તિ હોવાની વાતો થવા લાગી. એની નજર એક વાર જેના પર પડી જાય
એ વ્યક્તિ પછી જીવતી સવાર ન જુએ, એવું લોકો માનવા લાગ્યા.
રામસિંહ પછી અન્ય
શિકારીઓએ જુદી જુદી રીતે દીપડાને મારવાના પ્રયત્ન કરી જોયા. સદ્નસીબે
એ પ્રયત્નોમાં કોઇ શિકારી મરણશરણ ન થયો. દીપડો પણ. ધીમે ધીમે આ દીપડાએ કરેલા
માનવશિકારની સંખ્યા 28 જેટલી થઇ.
(ક્રમશ: )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો