આ પછીના ચોથા દિવસની સવારે
ખબર આવી કે સિહોરથી લગભગ ત્રણ માઇલના અંતરે આવેલા ધ્રુપકા ગામે એક ચૌદ-પંદર વર્ષના
છોકરાને દીપડાએ મારી નાખ્યો હતો. આ ગામમાં દીપડાનો આ પ્રથમ માનવશિકાર હતો. ખબર મળી
કે તરત હું ધ્રુપકા જવા રવાના થયો. જોરાવરને મેં કેમ્પમાં રોકાવાની સૂચના આપી.
ધ્રુપકા આશરે સોએક માણસોની વસ્તી ધરાવતું નાનકડું ગામ હતું. એ
પણ ડુંગરો અને કાંટથી ઘેરાયેલું હતું. એક નાનો, કાચો રસ્તો-એક બળદગાડું પસાર થઇ શકે
એવો- એને સિહોર સાથે જોડતો હતો. હું પગપાળા જઇ રહ્યો હતો. રસ્તામાં, દિવસ હોવાથી દીપડો મળે એવી શક્યતા અલબત્ત નહોતી; પણ
એની સાથે આ પહેલાં પ્રસંગો પડ્યા ત્યારે ડુંગરની પથરાળ જમીન પર એનાં પગલાં હું
સારી રીતે નિહાળી શક્યો નહોતો. બિડાલકુળનાં પ્રાણીઓનાં પગલાં પરથી એમની જાતિ, ઉંમર, કદ વગેરે ઘણી માહિતી મેળવી શકાય છે એ હું અગાઉ લખી ચૂક્યો છું.
સિહોરથી ધ્રુપકાનો રસ્તો મોટે ભાગે કાંટમાંથી, પણ
બન્ને ગામ નજીક આવે ત્યારે ખેતરો વચ્ચેથી પસાર થતો હતો. ખેતરો શરૂ થાય ત્યારે એક
જાતના થોર અને બીજી કાંટાળી વનસ્પતિની વાડા વચ્ચેથી આ રસ્તો પસાર થતો. વર્ષોથી
બળદગાડાની અવરજવરના કારણે રસ્તો ખાસ્સો નીચો થઇ ગયો હતો અને એના પર એકદમ બારીક, મુલાયમ ધૂળનો ઊંડો થર હતો. આના કારણે અવરજવરની નિશાની જોવા માટે એ ઉત્તમ
ચિત્રપટ સમાન હતો.
આ રસ્તે મને પહેલી વાર દીપડાનાં પગલાં સ્પષ્ટ રીતે જોવા મળ્યાં.
પગલાં પરથી જાણ્યું કે એ પુખ્ત વયનો નર હતો. વાડની પાછળથી એ રસ્તા તરફ નીકળ્યો હતો
અને ગામ તરફ જઇ રહ્યો હતો. પગલાંની કિનારીની ધૂળ જે રીતે વિખરાઇ ગઇ હતી અને ઊડી
ગયેલાં ઝાકળબિંદુઓની આછી નિશાની દેખાતી હતી એ પરથીદેખાઇ આવતું હતું કે પગલાં પડ્યાં
પછી રાત વીતી ગઇ છે. પગલાં જોતો જોતો હું આગળ વધવા લાગ્યો, અને
ગામના છેવાડે આવેલા એક મોટા વડ પાસે પહોંચ્યો. દીપડાનાં પગલાં ત્યાંથી અદૃશ્ય થઇ
જતાં હતાં.
જો કે આમાં આશ્ચર્ય
જેવું ખાસ હતું નહીં. દીપડો દેખીતી રીતે જ, વડ પર ચડી ગયો હોય. છૂપાવા માટે એણે ઉત્તમ સ્થળ શોધ્યું હતું. ઘટાદાર અને વિસ્તૃત વડ પર એ
આરામથી છૂપાઇ શકે, અને નીચે શિકારનો મોકો ઊભો થાય તો એને
માત્ર એક છલાંગ જ મારવાની રહે. મારી ઇચ્છા પહેલાં ગામમાં જઇને વધુ માહિતી મેળવવાની
હતી; પણ મને લાગ્યું કે શિકારનું સ્થળ આ વડની આસપાસ જ ક્યાંક
હોવું જોઇએ. એટલે ગામમાં જવાનું મુલતવી રાખીને મેં વડની ચોતરફ એક ચક્કર લગાવવાનું
નક્કી કર્યું.
મારી ધારણા પ્રમાણે જ, મને એ
સ્થળ મળી ગયું કે જ્યાં દીપડાએ માનવનો શિકાર કર્યો હતો.
સ્થળ પરની નિશાનીઓ
વાંચતાં જણાતું હતું, કે વડથી લગભગ પાંચેક યાર્ડના અંતરે પસાર
થતી એક પગદંડી પર દીપડાએ સૌથી નજીકની ડાળી પરથી કૂદીને સીધો શિકાર પર હુમલો કર્યો
હશે. ત્યાં થોડી પ્રતિકારની નિશાનીઓ દેખાતી હતી. અને પછી દીપડો છોકરાને ઘસડીને લઇ
ગયાનો ચીલો.
આ ઘસડાટની નિશાનીઓ
જોતાં-જોતાં હું આગળ વધ્યો. દીપડો શિકારને ઘસડતો ઘસડતો થોડે દૂરની ઝાડી તરફ લઇ ગયો
હતો. એક સ્થળે છોકરાના હાથમાં એક ઝાંખરાનું થડિયું આવતાં એણે એ પકડી રાખવાની કોશિશ
કરી હતી; પણ દીપડાએ એક આંચકા સાથે એ દુર્ભાગીની પકડ છોડાવી દીધી હતી. આ ઘટનાના મૂક સાક્ષીરૂપે એ થડ પર છોકરાની હથેળીની ચામડી લીરા થઇને ચોંટી હતી.
ત્યાંથી થોડા આગળ જઇને
દીપડાએ છોકરાને મારી નાખ્યો હતો. ત્યાં
લોહીનું ખાબોચિયું ભરાયું હતું જે જમીનમાં શોષાઇ ગયું હતું પણ એના પર મકોડાનો થર
જામ્યો હતો. અહીંથી દીપડો શિકારને લઇને એક નાળામાં કૂદી ગયો હતો.
(ક્રમશ: )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો